કલોસ્સીઓ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે ઉપરની, વાતો શોધો. 2 ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ. 3 કેમ કે તમે મૂએલા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. 4 ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જ્યારે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. જૂનું જીવન ત્યાગી નવીનપણે જીવો 5 એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. 6 એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. 7 જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા, ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા. 8 પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી [નીકળતાં] બીભત્સ વચન એ સર્વ તજી દો. 9 એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સહિત ઉતારી મૂકયું છે. 10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે. 11 તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે. 12 એ માટે, પવિત્ર તથા વહાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હ્રદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. 13 એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. 14 વળી એ સર્વ ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. 15 અને ખ્રિસ્તની શાંતિ કે જે [પામવા] માટે તમે એક શરીર [થવાને] તેડાયેલા છો, તે તમારાં રહ્દયોમાં રાજ કરે; અને આભારસ્તુતિ કરો. 16 ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ. 17 વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો. નવા જીવનમાં વ્યક્તિગત સંબંધો 18 સ્ત્રીઓ, જેમ પ્રભુમાં [તમને] ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. 19 પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. 20 છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માતપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે. 21 પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય. 22 દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની જેમ નહિ, અને દેખરેખ હોય ત્યાં સુધી નહિ અને પણ ખરા ભાવથી, અને પ્રભુથી ડરીને, પૃથ્વી પરના તમારા માલિકોની સર્વ વાતે આજ્ઞાઓ પાળો. 23 માણસોને માટે નહિ પણ જાણે પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે બધું ખરા દિલથી કરો, 24 કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. 25 જે ભૂંડું કરે છે તેને તેની ભૂંડાઈનું ફળ મળશે; અને [પ્રભુને ત્યાં] પક્ષપાત નથી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India