Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

કલોસ્સીઓ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓને માટે તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને માટે હું કેટલો બધો યત્ન કરું છું કે,

2 તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.

3 તેમનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.

4 કોઈ માણસ મનોહર વાતોથી તમને ન ભુલાવે માટે હું એ કહું છું.

5 કેમ કે દેહમાં હું દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું. અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું.


ખ્રિસ્તમાં જીવનની પરિપૂર્ણતા

6 તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો,

7 અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.

8 સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્‍ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે,

9 કેમ કે [ખ્રિસ્ત] માં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે.

10 અને તમે તેમનામાં સંપૂર્ણ થયા છો, તે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે.

11 અને જે સુન્‍નત હાથે કરેલી નથી એવી [સુન્‍નત] થી તમે તેમનામાં સુન્‍નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્‍નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો.

12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.

13 વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્‍નતમાં મૂએલા છતાં, તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કર્યાં.

14 અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું, અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું.

15 અને રાજયો તથા અધિકારોને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને [જાહેર રીતે] ઉઘાડાં પાડયાં.

16 એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.

17 તેઓ તો થનાર વાતોનો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે.

18 નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે, તેને જે દર્શનો થયાં છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાશ મારે છે;

19 તે શિરને વળગી રહેતો નથી, એ [શિર] થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.


ખ્રિસ્તની સાથે જીવવું અને મરવું

20 જો તમે ખ્રિસ્તની સાથે જગતનાં તત્‍ત્વો સંબંધી મર્યા, તો જગતમાં જીવનારાની જેમ વિધિઓને આધીન કેમ થાઓ છો?

21 [જેમ કે અમુકને] અડકવું નહિ, ચાખવું નહિ, હાથમાં લેવું નહિ.

22 (એ બધાં [વાનાં] વપરાશથી જ નાશ પામનારાં છે), [એ વિધિઓ તો] માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે.

23 તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને [અટકાવવાને] તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan