કલોસ્સીઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ પ્રતિ લખનાર ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અને ભાઈ તિમોથી: 2 તમને ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાઓ. આભારસ્તુતિ 3 અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે માટે આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું, 4 ત્યારથી તમારે માટે હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેની આભારસ્તુતિ કરીએ છીએ; 5 તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું. 6 તે [સુવાર્તા] તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાઈ છે અને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા સાંભળી તથા સમજયા તે દિવસથી તે તમારામાં પણ [ફળ આપે છે તથા વધે છે]. 7 એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. 8 આત્મામાં તમારો જે પ્રેમ તે વિષે પણ તેણે અમને ખબર આપી. 9 તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. 10 તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ. 11 અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ. 12 અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો. 13 તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14 તેમનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે. ખ્રિસ્તનું જીવન અને કાર્ય 15 તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; 16 કેમ કે તેમનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં. 17 તે સર્વની પૂર્વેથી હયાતછે, અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. 18 તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. 19 કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ [પિતાને] પસંદ પડયું. 20 અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય. 21 તમે પ્રથમ દૂર, અને દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હમણાં પોતાના મર્ત્ય શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, 22 જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે. 23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું. મંડળીના સેવક તરીકે પાઉલની ધર્મસેવા 24 તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું. 25 ઈશ્વરની વાત સંપૂર્ણ [રીતે પ્રગટ] કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું. 26 તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે. 27 વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. 29 એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India