આમોસ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ફળોની ટોપલી વિષે સંદર્શન 1 પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:ઉનાળામાં થતાં ફળની એક ટોપલી [મારા જોવામાં આવી]. 2 તેમણે મને પૂછ્યું, “આમોસ, તું શું જુએ છે?” ત્યારે મેં ક્હ્યું, “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી.” ત્યારે યહોવાએ મને કહ્યું, “મારા ઇઝરાયલ લોકોનો અંત આવી પહોચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કરીશ નહિ.” 3 પ્રભુ યહોવા કહે છે, “તે દિવસે મંદિરનાં ગીતોને સ્થાને રડાપીટ થઈ રહેશે. શબોના ઢગલા થશે. સર્વ સ્થળે તેઓ ગુપચુપ તેમને બહાર નાખી દેશે.” ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ) 4 તમે દરિદ્રીઓને ગળી જવાની, તથા દેશના ગરીબોનો અંત લાવવાની ઇચ્છા રાખીને કહો છો, 5 “ચંદ્રદર્શન ક્યારે વીતે કે અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ [ક્યારે ઊતરે] કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ? અને એફાહ નાનો રાખીને ને શેકેલ મોટો રાખીને, ને ખોટાં ત્રાજવાંકાટલાંથી ઠગાઈ કરીને, 6 અમે ગરીબોને રૂપું આપીને ખરીદીએ, ને એક જોડ પગરખાં આપીને દરિદ્રીઓને ખરીદીએ, ને ઘઉંનું ભૂસું વેચીએ” [એવો વિચાર કરનારા] , તમે આ સાંભળો. 7 યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ. 8 શું એને લીધે દેશ ધ્રૂજશે નહિ, ને તેમાં રહેનાર દરેક જન શોક નહિ કરશે? હા, તે તમામ નદીની રેલની જેમ ચઢી આવશે; અને તે ખળભળીને મિસરની નદીની જેમ પાછો ઊતરી જશે. 9 તે દિવસે હું સૂર્યને ખરે બપોરે અસ્ત પમાડીશ, ને હું ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે. 10 “વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.” પ્રભુનાં વચનોનો દુકાળ 11 પ્રભુ યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે. જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ કે, પાણીનો નહિ, પણ યહોવાનું વચન સાંભળવાનો [દુકાળ મોકલીશ]. 12 તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી, ને ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે. યહોવાનું વચન શોધવાને તેઓ અહીંથી તહીં દોડાદોડ કરશે, પણ તે તેઓને મળશે નહિ. 13 તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે. 14 જેઓ સમરુનના પાપના સોગંદ ખાઈને કહે છે કે, ‘હે દાન, તારા દેવના સોગંદ, અને બેર-શેબાના માર્ગના સોગંદ, ’ તેઓ તો પડશે ને કદી પાછા ઊઠશે નહિ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India