આમોસ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો. 2 પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે. 3 તમારામાંની દરેક સીધી બાકોરામાં થઈને નીકળી જશે; અને તમને હાર્મોનમાં ફેંકી દેવામાં આવશે, ” એવું યહોવા કહે છે. શીખવા ન માગતું ઇઝરાયલ 4 “બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો. 5 ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે. 6 મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વૈર કરાવ્યું છે, ને તમારાં સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” એમ યહોવા કહે છે. 7 “હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો. 8 માટે બે કે ત્રણ નગરો [ના રહેવાસીઓ] ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહિ, ” એમ યહોવા કહે છે. 9 હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે. 10 “મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરાંમાં ભરી છે; તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે. 11 “ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે. 12 “એ માટે, હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. હું તને એમ જ કરીશ માટે, હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવાને તૈયાર થા.” 13 કેમ કે, જો, જે પર્વતોના રચનાર તથા વાયુના ઉત્પન્નકર્તા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકારરૂપ કરનાર તથા પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India