આમોસ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે ઇઝરાયલ લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેની વિરુદ્દ આ જે વચન યહોવા બોલ્યા છે, તે સાંભળો: 2 તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.” પ્રબોધકનું કર્તવ્ય 3 શું બે જણા સંપ કર્યા વગર સાથે ચાલી શકે ખરા? 4 શું ભક્ષ મળ્યા વગર સિંહ વનમાં ગર્જના કરશે ખરો? શું કંઈ પણ પકડ્યા સિવાય સિંહનું બચ્ચું પોતાના બિલમાંથી ત્રાડ નાખશે? 5 પક્ષીને માટે પાશ નાખ્યા વગર શું તે ભૂમિ પર ફાંસલામાં પડે? ફાંસલો જમીન પરથી છટકીને કંઈ પણ પકડ્યા વગર રહેશે શું? 6 નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે? 7 ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ. 8 સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવા બોલ્યા છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે? સમરુનની થનારી પાયમાલી 9 આશ્દોદના મહેલોમાં તથા મિસર દેશના મહેલોમાં જાહેર કરો, “સમરુનના પર્વતો પર તમે એકત્ર થાઓ, ને જુઓ, ત્યાં કેવાં મોટાં હુલ્લડો તથા ભારે જુલમ થઈ રહ્યાં છે. 10 જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે. 11 એ માટે પ્રભુ યહોવા કહે છે, “દેશની આસપાસ શત્રુ [ફરી વળશે] , અને તે તારા કિલ્લા જમીનદોસ્ત કરશે, અને તારા મહેલો લૂંટાઈ જશે.” 12 યહોવા કહે છે, “જેમ ભરવાડ સિંહના મોંમાંથી બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગના ખૂણા પર તથા રેશમી ગદેલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોક [માંના કેટલાક] નો બચાવ થશે.” 13 સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવા કહે છે, “તમે સાંભળો, ને યાકૂબના વંશની વિરુદ્ધ સાક્ષી પૂરો. 14 કેમ કે જે દિવસે હું ઇઝરાયલને તેના ગુનાઓની શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદીનાં શિંગો કપાઈ જશે, ને જમીન પર પડશે 15 હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે, ને ઘણાં ઘરો પાયમાલ થશે, “એવું યહોવા કહે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India