Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

આમોસ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મોઆબ

1 યહોવા કહે છે: “મોઆબના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેણે અદોમના રાજાનાં હાડકાં બાળીને તેનો ચૂનો કર્યો.

2 પણ હું મોઆબ ઉપર અગ્નિ મોકલીશ, ને તે કરિયોથના મહેલોને ભસ્મ કરી નાખશે; અને મોઆબ હુલ્લડમાં, હોંકારાઓમાં તથા રણશિંગડાના અવાજમાં મરણ પામશે.

3 હું તેના ન્યાયાધીશને નષ્ટ કરીશ. મે તેની સાથે તેના બધા અમલદારોનો સંહાર કરીશ, ” એમ યહોવા કહે છે.


યહૂદિયા

4 યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.

5 પણ હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ, ને તે યરુશાલેમના મહેલોને ભસ્મ કરશે.”


ઇઝરાયલ સામે ઈશ્વરનો ચુકાદો

6 યહોવા કહે છે: “ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને પગરખાંની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે;

7 તેઓ ગરીબના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે, ને દીનોને માર્ગમાંથી ભટકાવી દે છે; અને પિતા પુત્ર એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે.

8 તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ધરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના ઈશ્વરના મંદિરમાં પીએ છે.

9 તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી, ને જે ઓકવૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, હા, મેં ઉપરથી તેનાં ફળનો, ને નીચેથી તેનાં મૂળોનો નાશ કર્યો.

10 વળી હું તમને મિસરદેશમાંથી કાઢી લાવ્યો, ને તમને રણમાં ચાળીસ વર્ષ સુધી દોરીને અમોરીઓના દેશનું વતન અપાવ્યું.

11 મેં તમારા દીકરાઓમાંના કેટલાક ને પ્રબોધકો તરીકે, ને તમારા જુવાનોમાંના કેટલાક ને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.” યહોવા કહે છે.”હે ઇઝરાયલ લોક, શું એમ નથી?

12 પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો, અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, ‘પ્રબોધ કરશો નહિ.’

13 જુઓ, જેમ પૂળાથી ભરેલું ગાડું દબાઈ જાય છે, તેમ હું તમને તમારી જગાએ દાબી નાખીશ.

14 અને વેગવાનની દોડવાની શક્તિ ખૂટી જશે, બળવાનનું બળ રહેશે નહિ, શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.

15 ધનુર્ધારી ટકી શકશે નહિ. ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ, ઘોડેસવાર પણ પોતાનો બચાવ કરી શકશે નહિ.

16 અને યોદ્ધાઓમાં જે હિમ્મતવાન હશે તે તે દિવસે નગ્ન થઈને નાસી જશે, ” એમ યહોવા કહે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan