આમોસ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે. 2 તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરુશાલેમમાંથી ઘાંટો પાડશે; અને ભરવાડોના ગૌચરો શોકાતુર થશે, ને કાર્મેલનું શિખર કરમાઈ જશે.” ઇઝરાયલના પડોશી દેશો સામે ઈશ્વરનો ચુકાદો-સિરિયા (દમસ્કસ) 3 યહોવા કહે છે: “દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ ગિલ્યાદને લોઢાના ઝૂડિયાથી ઝૂડ્યો છે. 4 પણ હું ઇઝરાયલના ઘરમાં અગ્નિ મોકલીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી નાખશે. 5 વળી હું દમસ્કસની ભૂંગળ તોડી નાખીશ, ને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓને, ને બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે, ” એમ યહોવા કહે છે. પલિસ્તીઓ 6 યહોવા કહે છે: “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે અદોમને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા. 7 પણ હું ગાઝાના કોટ પર અગ્નિ મોકલીશ, ને તે તેના મહેલોને ભસ્મ કરશે. 8 હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.” તૂર 9 યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી. 10 પણ હું તૂરના કોટ પર અગ્નિ મોકલીશ, ને તે તેના મહેલોને ભસ્મ કરી નાખશે.” અદોમ 11 યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ. 12 પણ હું તેમાન પર અગ્નિ મોકલીશ, ને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરશે.” આમ્મોન 13 યહોવા કહે છે: “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેમની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે પોતાના પ્રદેશ ની સરહદ વધારવા માટે તેઓએ ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે. 14 પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે. 15 તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે.” એમ યહોવા કહે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India