Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શાઉલ અને મંડળીની સતાવણી

1 શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.

2 ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.

3 પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્‍ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.


સમરૂનમાં સુવાર્તાપ્રચાર

4 જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા‍‍ ચારે તરફ ફર્યા.

5 ફિલિપે સમરૂન શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે બોધ કર્યો.

6 તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એકચિત્તે ધ્યાન આપ્યું.

7 કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતાં બહાર નીકળ્યા, અને ઘણા પક્ષઘાતીઓને તથા લંગડાઓને સાજા કરવામાં આવ્યા.

8 તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો.

9 પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો.

10 તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.”

11 તેણે ઘણી મુદતથી પોતાની જાદુક્રિયાથી તેઓને છક કરી નાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા.

12 પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્‍ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.

13 સિમોન પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો. અને ચમત્કારો તથા મોટાં પરાક્રમની કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.

14 હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.

15 ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને માટે પ્રાર્થના કરી.

16 કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.

17 પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.

18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા,

19 અને કહ્યું, “તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.”

20 પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.

21 આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.

22 માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય.

23 કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”

24 ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”

25 હવે [ત્યાં] સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા.


ફિલિપ અને ઈથિયોપિયાનો અધિકારી

26 પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.”

27 તે ઊઠીને ગયો. અને જુઓ, એક હબશી ખોજો, જે હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર તથા તેના બધા ભંડારનો કારભારી હતો તે ભજન કરવા માટે યરુશાલેમ આવ્યો હતો.

28 તે પાછા જતાં પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો હતો.

29 આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.”

30 ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો સાંભળીને પૂછ્યું, “તમે જે વાંચો છો તે શું તમે સમજો છો?”

31 ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” તેણે ફિલિપને વિનંતી કરી, “ઉપર ચઢીને મારી પાસે બેસો.”

32 શાસ્‍ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ ઘેટાની જેમ મારી નંખાવાને તેને લઈ જવામાં આવ્યો; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ.

33 તેની દીનાવસ્થામાં તેનો ન્યાય ડૂબી ગયો. તેના જમાનાના લોકોનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”

34 ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર આપ્યો, “હું તમને વિનંતી કરું છું કે, પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?”

35 ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્‍ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ [વિષેની સુવાર્તા] પ્રગટ કરી.

36 તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?”

37 ત્યારે ફિલિપે કહ્યું, “જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે.” તેણે ઉત્તર આપ્યો, “ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વરનો દીકરો છે, એવું હું માનું છું.”

38 પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્‍ને પાણીમાં ઊતર્યા, અને તેણે તેને બાપ્તિસ્મા આપ્યું.

39 તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.

40 પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan