Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અનાન્યા અને સાફીરા

1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.

2 તેની પત્નીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું; અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકયો.

3 પણ પિતરે કહ્યું, “ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?

4 તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તેં પોતાના મનમાં કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.”

5 એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડયો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.

6 પછી જુવાનોએ ઊઠીને તેને [કફનમાં] વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દાટ્યો.

7 ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.

8 ત્યારે પિતરે તેને પૂછયું, “મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી?” તેણે તેને કહ્યું, “હા, એટલી જ કિંમતે.”

9 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્‍નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દાટનારાઓનાં પગલાં બારણે આવી પહોંચ્યાં છે, અને તેઓ તને પણ લઈ જશે.”

10 તે જ ક્ષણે તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો, પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, અને બહાર લઈ જઈને તેના પતિને પડખે તેને દાટી.

11 [આથી] આખી મંડળીને તથા જે લોકોએ એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું.


ચમત્કારો અને અદભુત કાર્યો

12 પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો તથા અદભુત કામો ઘણાં થયાં (તેઓ સર્વ એકચિત્તે સુલેમાનની પરસાળમાં એકઠાં થતાં હતાં.

13 પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી, તોયે લોકો તેઓને માન આપતા.

14 અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાંબંધ પુરુષો તથા સ્‍ત્રીઓ, વધારે ને વધારે ઉમેરાતાં ગયાં;)

15 એટલે સુધી કે તેઓએ માંદાને લાવીને માર્ગમાં પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈના ઉપર પડે.

16 વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોકો માંદાને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંને લઈને ત્યાં ભેગા થતા, અને તેઓ બધાંને સાજા કરવામાં આવતાં.


પ્રેરિતોની સતાવણી

17 પણ પ્રમુખ યાજક તથા તેના સર્વ સાથીઓ (જેઓ સાદૂકી પંથના હતા), તેઓને બહુ ઈર્ષા આવી,

18 અને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા.

19 પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું,

20 “તમે જાઓ, અને મંદિરમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને કહી સંભળાવો.”

21 એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કર્યો, પણ પ્રમુખ યાજકે તથા તેના સાથીઓએ આવીને સભાને બોલાવી તથા ઇઝરાયલી લોકોના વડીલોને એકત્ર કર્યા, અને તેઓને ત્યાં લઈ આવવાને બંદીખાનામાં [માણસ] મોકલ્યા.

22 પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે બંદીખાનામાં તેઓ તેમને મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,

23 અમે બંદીખાનાને સારીપેઠે બંધ કરેલું, તથા ચોકીદારોને બારણા આગળ ઊભા રહેલા જોયા. પણ અમે બારણું ઉઘાડ્યું ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યો નહિ.

24 હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?

25 એટલામાં એક જણે આવીને તેઓને ખબર આપી કે, “જુઓ, જે માણસોને તમે બંદીખાનામાં પૂર્યા હતા, તેઓ તો મંદિરમાં ઊભા રહીને લોકોને બોધ કરે છે.”

26 ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, રખેને તેઓ અમને પથરા મારે.

27 તેઓએ તેઓને લાવીને સભાની આગળ રજૂ કર્યા, ત્યારે પ્રમુખ યાજકે તેઓને પૂછયું,

28 “અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ, તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા ઉપર મૂકવા માગો છો.”

29 પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો, “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.

30 જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે.

31 તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.

32 અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે.”

33 તે સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.

34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્‍ત્રી, જેને બધા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે એ માણસોને થોડી વાર સુધી બહાર લઈ જાઓ.

35 પછી તેણે તેઓને કહ્યું, “ઓ ઇઝરાયલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિષે સાવચેત રહો.

36 કેમ કે કેટલીક મુદત ઉપર થ્યુદાએ બળવો કરીને કહ્યું, ‘હું એક મહાન પુરુષ છું, ’ તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યો ગયો, અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ જઈને નાશ પામ્યા.

37 એના પછી વસતિપત્રક કરવાના વખતમાં ગાલીલના યહૂદાએ બળવો કરીને બહુ લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.

38 હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેમને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે.

39 પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ, નહિ તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો.

40 તેઓએ તેનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.

41 તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.

42 તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan