Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


માલ્ટા ટાપુમાં

1 આ પ્રમાણે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા છે.

2 ત્યાંના વતનીઓએ અમારા પર અસાધારણ માયા બતાવી. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો તથા ટાઢ પડતી હતી. માટે અગ્નિ સળગાવીને તેઓએ અમો સર્વને આવકાર આપ્યો.

3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે તાપને લીધે એક સર્પ નીકળીને તેને હાથે વળગ્યો.

4 દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”

5 પણ તેણે તે સાપને અગ્નિમાં ઝટકી નાખ્યો, અને તેને કંઈ પણ ઈજા થઈ નહિ.

6 પણ તેઓ ધારતા હતા કે, હમણાં તેને સોજો ચઢશે, અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું, “તે તો કોઈ દેવ છે.”

7 હવે તે ટાપુના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગાની નજીક હતી. તેણે અમારો આદરસત્કાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવે અમારી પરોણાગત કરી.

8 તે વખતે પબ્લિયસનો પિતા તાવથી તથા મરડાથી પીડાતો હતો. પાઉલે તેની પાસે અંદર જઈને પ્રાર્થના કરી, અને તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.

9 એ બન્યા પછી ટાપુમાંના બાકીના રોગીઓ પણ આવ્યા, અને તેમને સાજા કરવામાં આવ્યા.

10 વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી.


માલ્ટાથી રોમ.

11 ત્રણ મહિના પછી એલેકઝાંડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિની કુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા.

12 અમે સિરાકુસમાં બંદર કરીને ત્યાં ત્રણ દિવસ રહ્યા.

13 ત્યાંથી અમે ચકરાવો ખાઈને રેગિયમ આવ્યા, એક દિવસ પછી દક્ષિણનો પવન વાવા લાગ્યો, જેથી અમે તેને બીજે દિવસે પુતૌલી પહોચ્યાં.

14 ત્યાં અમને ભાઈઓ મળ્યા, તેઓએ પોતાની સાથે સાત દિવસ રહેવાને અમને વિનંતી કરી; આ પ્રમાણે અમે રોમ આવી પહોંચ્યા.

15 અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપ્પિયસ બજાર તથા ત્રણ ધર્મશાળા સુધી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરની સ્તુતિ કરી, અને હિંમત રાખી.


રોમમાં

16 અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.

17 ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.

18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કંઈ પણ કારણ ન હતું.

19 પણ યહૂદીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે કાઈસાર પાસે ન્યાય માગવાની મને ફરજ પડી; મારે મારા સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એમ તો નહોતું.

20 એ જ કારણથી મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશાને લીધે હું આ સાંકળથી બંધાયેલો છું”

21 ત્યારે તેઓએ તેને કહ્યું, “તમારા વિષે યહૂદિયામાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમ જ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તમારે વિષે કંઈ ભૂંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી.

22 પણ તમારી માન્યતા શી છે તે તમારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ. કેમ કે આ પંથની વિરુદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે. એવું અમે જાણીએ છીએ.”

23 તેઓએ તેને માટે એક દિવસ નક્કી કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.

24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની લીધી, અને કેટલાકે માની નહિ.

25 તેઓ બધા એક મતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલાં પાઉલે તેઓને એક વાત કહી, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકદ્વારા તમારા પૂર્વજોને વાજબી કહ્યું કે,

26 ‘તું એ લોકોની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ. અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ;

27 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે. તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને કદાચ તેઓને આંખે સૂઝે, અને તેઓ કાને સાંભળે, અને મનથી સમજે, અને ફરે, અને હું તેઓને સાજા કરું.’

28 તેથી જાણજો કે, ઈશ્વરે [આપેલું] આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે; અને તેઓ તો સાંભળશે જ.”

29 [તેણે એ વાતો કહી ત્યાર પછી યહૂદીઓ અંદરોઅંદર ઘણો વાદવિવાદ કરતા કરતા ચાલ્યા ગયા.]

30 [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો, અને જેઓ તેને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદરસત્કાર કરતો હતો.

31 તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરતો તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતો હતો. ?? ?? ?? ?? 1

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan