પ્રે.કૃ. 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રોમ તરફ સફર 1 અમારે જળમાર્ગે ઇટાલી ઊપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા. 2 આસિયાના કિનારા પરનાં બંદરોએ જનારા અદ્રમુત્તિયાના એક વહાણમાં બેસીને અમે સફરે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. 3 બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી. 4 ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની ઓથે હંકારી ગયા. 5 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર ઓળંગીને અમે લૂકિયાના મૂરા [બંદરે] પહોંચ્યા. 6 ત્યાં સૂબેદારને ઇટાલી જનારું એલેકઝાંડ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા. 7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે હંકારીને કનીદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા. ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનની આગળ ક્રિતની ઓથે હંકાર્યું. 8 અમે તેને કિનારે કિનારે હંકારીને મુશ્કેલીથી સુંદર બંદર નામની એક જગાએ આવ્યા; તેની પાસે લાસિયા શહેર છે. 9 વખત ઘણો ગયો હતો, અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું, (કેમ કે ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો), ત્યારે પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું, 10 “ભાઈઓ, મને લાગે છે કે, આ સફરમાં એકલા માલને તથા વહાણને હાનિ તથા ઘણું નુકસાન થશે એટલું જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ થશે.” 11 પણ પાઉલે જે કહ્યું તે કરતાં કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે લક્ષ આપ્યું. 12 વળી શિયાળો કાઢવા માટે તે બંદર સગવડ ભરેલું પણ ન હોવાથી ઘણાએ એવી સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, અને કોઈ પણ રીતે ફેનીકસ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ. તે ક્રિતનું એક બંદર છે, અને ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે. દરિયામાં તોફાન 13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને અમે ક્રિતને કિનારે કિનારે હંકાર્યું. 14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન [ઇશાની] નામનો તોફાની પવન છૂટયો. 15 અને વહાણ તેમાં સપડાયું અને પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. 16 કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા, ત્યારે મછવાને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી. 17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવનાં દોરડાં બાંધ્યાં; અને સીર્તસ ઉપર અથડાઈ પડવાની બીકથી સઢસામાન ઉતાર્યા, અને એમનાએમ અમે તણાવા લાગ્યા. 18 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો. 19 અને ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. 20 ઘણા દિવસ સુધી સૂર્ય કે તારા દેખાયા નહિ, ભારે તોફાન ચાલું રહ્યું, તેથી અમારા બચાવની બિલકુલ આશા રહી નહિ. 21 પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, અને ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહોતી. 22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવને હાનિ થનાર નથી, એકલા વહાણની જ [હાનિ] થશે. 23 કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે આજે રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, 24 ‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’ 25 માટે, ભાઈઓ, હિંમત રાખો; કેમ કે ઈશ્વર પર મને ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. 26 તથાપિ આપણે એક બેટ પર અથડાવું પડશે.” 27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા [સમુદ્ર] માં આમતેમ ઘસડાતા હતા, અને લગભગ મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજીક આવી પહોંચ્યા છીએ. 28 તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ વામ [પાણી] માલૂમ પડ્યું. અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી, ત્યારે પંદર વામ માલૂમ પડ્યું. 29 રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [એટલે વહાણના પાછલા ભાગ] પરથી ચાર લંગર નાખીને દિવસ ઊગવાની વાટ જોતા બેઠા. 30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાની તક શોધતા હતા, અને નાળ [એટલે વહાણનો આગલો ભાગ] પરથી લંગર નાખવાનો ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો. 31 ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.” 32 ત્યારે સિપાઈઓએ મછવાનાં દોરડાં કાપી નાખીને તેને જવા દીધો. 33 દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને ખોરાક લેવાને વિનંતી કરીને કહ્યું, “આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે લાંઘણ કરીને કંઈ ખાધું નથી. 34 માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક ખાઓ, કેમ કે એ તમારા રક્ષણને માટે છે. કારણ કે તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી.” 35 એમ કહીને તેણે રોટલી લીધી, અને સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તે તે ભાંગીને ખાવા લાગ્યો. 36 ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ખોરાક લીધો. 37 વહાણમાં અમે સર્વ મળીને બસો છોંતેર માણસ હતા. 38 ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણને હલકું કર્યું. વહાણ ભંગ 39 દિવસ ઊગ્યો ત્યારે તેઓ તે પ્રદેશને ઓળખી શકયા નહિ. પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી જોઈ અને વહાણને હંકારીને તે [કિનારા] પર છિતાવી શકાય કે નહિ એ વિષે તેઓએ મસલત કરી. 40 તેઓએ લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવાં દીધાં, અને તે જ વખતે સુકાનનાં બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કાંઠા તરફ જવા લાગ્યા. 41 બે પ્રવાહના સંગમની જગાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છિતાવ્યું. અને નાળ અથડાઈને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબૂસો મોજાંના જોરથી ભાંગી જવા લાગ્યો. 42 ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી. 43 પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું. 44 અને બાકીનામાંના કેટલાકે પાટિયાને તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાનને વળગીને કિનારે જવું, તેથી તેઓ સર્વ સહીસલામત કિનારે પહોંચ્યાં. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India