Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાઉલ મકદોનિયામાં અને અખાયામાં

1 તોફાન બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા માટે તે નીકળ્યો.

2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો બોધ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.

3 ત્યાં તે ત્રણ મહિના રહ્યો, પછી સિરિયા જવા માટે જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો ઠરાવ કર્યો

4 પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; એઓ તેની સાથે આસિયા સુધી ગયા.

5 પણ તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.

6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.


ત્રોઆસમાં પાઉલની છેલ્લી મુલાકાત

7 અઠવાડિયાને પહેલે દિવસે અમે રોટલી ભાંગવાને એકત્ર થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે નીકળવાનો હોવાથી, [શિષ્યો] ની આગળ ભાષણ કર્યું. અને મધરાત સુધી પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.

8 જે મેડી પર અમે એક્ત્ર થયા હતા ત્યાં ઘણા દીવા [બળતા] હતા.

9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં પડ્યો હતો. અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી તે [જુવાન] ત્રીજા માળથી નીચે પડ્યો, અને તેઓએ તેને મરણ પામેલો ઉપાડ્યો.

10 ત્યારે પાઉલ નીચે ઊતરીને તેના પર પડ્યો, અને તેની કોટે વળગીને તેણે કહ્યું, “ગભરાઓ નહિ; કેમ કે તે જીવતો છે.”

11 પછી તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી, અને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક વહેલી સવાર સુધી, વાત કરી, ત્યાર પછી તે વિદાય થયો.

12 તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, અને તેથી તેઓ ઘણો આનંદ પામ્યા


ત્રોઆસથી મિલેતસમાં

13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો; કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ ગોઠવણ કરી હતી.

14 આસોસમાં તે અમને મળ્યો, ત્‍યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેને આવ્યા.

15 ત્યાંથી હંકારીને બીજે દિવસે અમે ખીઓસ સામે પહોંચ્યા, અને તેને બીજે દિવસે સામોસ પહોંચ્યા, અને તેને બીજે દિવસે [ત્રોગુલિયામાં કંઈક થોભ્યા પછી] અમે મિલેતસ આવ્યા.

16 કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું, અને જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો.


એફેસસના આગેવાનોને પાઉલનો વિદાય સંદેશ

17 પછી તેણે મિલેતસથી એફેસસ [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.

18 તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, “આસિયામાં મેં પ્રથમ પગ મૂકયો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું.

19 એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત, અને યહૂદીઓનાં કાવતરાંથી મારા પર જે જે સંકટ આવી પડ્યાં તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો, એ તમે પોતે જાણો છો.

20 વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.

21 અને ઈશ્વરની આગળ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી [તે પણ તમે જાણો છો].

22 હવે જુઓ, હું આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતવાનું છે એ હું જાણતો નથી;

23 માત્ર હું એટલું જ [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે.

24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.

25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મોં ફરી જોશે નહિ.

26 તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.

27 કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.

28 તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.

29 હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે.

30 અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.

31 માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.

32 હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્‍નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.

33 મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્‍ત્રનો લોભ કર્યો નથી.

34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડયું છે.

35 કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”

36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તેઓ સર્વની સાથે પ્રાર્થના કરી.

37 તેઓ બધા બહુ રડ્યા, અને પાઉલને ગળે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું.

38 “તમે મારું મોં ફરી જોનાર નથી.” એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા, પછી તેઓ તેને વહાણ સુધી વળાવવા ગયા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan