Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાઉલ અને સિલાસની સાથે તિમોથી

1 પછી તે દેર્બે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્‍ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.

2 લુસ્રા તથા ઈકોનિયમમાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી.

3 પાઉલ તેને પોતાની સાથે લઈ જવા ચાહતો હતો, અને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્‍નત કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

4 જે જે શહેરોમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું.

5 એ રીતે મંડળીઓનો વિશ્વાસ દઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.


ત્રોઆસમાં પાઉલને સંદર્શન

6 પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

7 તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ.

8 માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

9 રાત્રે પાઉલને એવું દર્શન થયું કે, મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું, “મકદોનિયા આવીને અમને સહાય કર.”

10 તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા માટે ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયા જવાની તૈયારી કરી.


ફિલિપીમાં લુદિયાનું બદલાણ

11 એથી અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, અને બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા.

12 ત્યાંથી અમે ફિલિપી ગયા, જે મકદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર છે, અને તે [રોમનોએ] વસાવેલું છે. તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.

13 શહેર બહાર નદીને કાંઠે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એમ ધારીને અમે વિશ્રામવારે ત્યાં ગયા. અને ત્યાં બેસીને જે સ્‍ત્રીઓ એકત્ર થઈ હતી તેઓને અમે બોધ કર્યો.

14 તેઓમાં થૂઆતૈરા શહેરની જાંબુડિયા [વસ્‍ત્ર] વેચનારી, લુદિયા નામની એક સ્‍ત્રી હતી, એ ઈશ્વરભક્ત હતી, તેણે અમારું સાંભળ્યું, ત્યારે પ્રભુએ તેનું અંત:કરણ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી.

15 તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


ફિલિપીમાં બંદીખાનામાં

16 અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.

17 તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું, “આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે કે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે.”

18 તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું “ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે, એનામાંથી નીકળી જા.” એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો.

19 પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટામાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.

20 તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું, “આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધાંધલ મચાવે છે.

21 આપણે રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.”

22 ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યા. અને અમલદારોએ તેઓનાં વસ્‍ત્ર કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી.

23 તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા, અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી.

24 એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને અંદરના બંદીખાનામાં પૂર્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.

25 મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરનાં સ્તોત્ર ગાતા હતા, અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા.

26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, બંદીખાનાના પાયા હાલી ગયા. બધાં બારણાં તરત ઊઘડી ગયાં. અને સર્વનાં બંધનો છૂટી ગયાં.

27 બંદીખાનાનો દરોગો, ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને બંદીખાનાનાં બારણાં ઉઘાડાં જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો.

28 પણ પાઉલે ઘાંટો પાડીને કહ્યું, “અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના.”

29 ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડયો.

30 તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછયું, “હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”

31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશો.”

32 ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જે હતાં તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું.

33 પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા. અને તરત તે તથા તેનાં બધાં માણસો બાપ્તિસ્મા પામ્યાં.

34 પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું. અને પોતાના ઘરનાં સર્વ માણસો સાથે ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.

35 સૂર્યોદય થયો ત્યારે અમલદારોએ સૈનિકોને મોકલીને કહેવડાવ્યું, “તે માણસોને છોડી દે.”

36 પછી બંદીખાનાના દરોગાએ પાઉલને એ વાતની ખબર આપી કે, “અમલદારોએ તમને છોડી દેવાનું કહાવી મોકલ્યું છે માટે હવે તમે નીકળીને શાંતિથી ચાલ્યા જાઓ.”

37 પણ પાઉલે તેઓને કહ્યું, “અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને બંદીખાનામાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ બને. પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢી લાવે.”

38 ત્યારે સૈનિકોએ અમલદારને એ વાતની ખબર આપી. તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ બીધા.

39 પછી તેઓએ આવીને તેઓના કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.

40 તેઓ બંદીખાનામાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા. અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો, અને ત્યાંથી વિદાય થયા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan