Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમમાં મંડળીની પ્રથમ સભા

1 કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને શીખવ્યું, “જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્‍નત કરવામાં ન આવે તો તમે તારણ પામી શકતા નથી.”

2 પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદવિવાદ થયો. ત્યાર પછી [ભાઈઓએ] ઠરાવ કર્યો કે પાઉલ તથા બાર્નાબાસ, અને પોતાનામાંનાં બીજા કેટલાક એ વિવાદ સબંધી યરુશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

3 એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.

4 તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદરસત્કાર કર્યો, અને ઈશ્વરે જે કામ તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું.

5 પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું, “તેઓની સુન્‍નત કરાવવી જોઈએ, તથા મૂસાનું નિયમશાસ્‍ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.”

6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એક્ત્ર થયા.

7 ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે.

8 અંતર્યામી ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપીને તેઓ વિષે સાક્ષી પૂરી.

9 અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી.

10 તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પોતે પણ સહન કરી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?

11 પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”

12 ત્યારે બધા લોકો છાના રહ્યા, અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી.

13 તેઓ બોલી રહ્યા પછી યાકૂબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો,

14 પહેલાં ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી સંભળાવ્યું છે.

15 વળી પ્રબોધકોનાં વચનો એની સાથે મળતાં આવે છે. લખેલું છે કે,

16 ‘એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ. હું તેનાં ખંડિયેર સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ.

17 જેથી બાકી રહેલા લોકો તથા બધા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

18 પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’

19 માટે મારો એવો અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી ઈશ્વર તરફ જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ.

20 પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલાંથી તથા લોહીથી દૂર રહેવું.

21 કેમ કે પ્રાચીનકાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે, અને તેનાં વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે.”


વિદેશી વિશ્વાસીઓને પત્ર

22 ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવાનો ઠરાવ કર્યો.

23 તેઓની મારફતે તેઓએ લખી મોકલ્યું, “અંત્યોખમાં, સિરિયામાં તથા કિલીકિયામાં, વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા.

24 અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ [તમારી પાસે] આવીને [તેમની પોતાની] વાતોથી તમારાં મન ભમાવીને તમને ગૂંચવણમાં નાખ્યા છે.

25 માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ

26 કે, જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.

27 માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, તેઓ પોતે પણ તમને મોઢામોઢ એ જ વાતો કહેશે,

28 કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”

30 પછી તેઓ વિદાય લઈને અંત્યોખ ગયા. અને લોકોને એકત્ર કરીને તેઓએ પત્ર આપ્યો.

31 તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા.

32 અને યહૂદા તથા સિલાસ પોતે પણ પ્રબોધકો હતા, તેઓએ ભાઈઓની ઘણી વાતોથી સુબોધ કરીને તેઓનાં મન દઢ કર્યાં.

33 તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા માટે ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાય લીધી.

34 [પણ સિલાસને તો ત્યાં રહેવું સારું લાગ્યું.]

35 પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહીને બીજા ઘણા [ભાઈઓ] ની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા તથા ઉપદેશ કરતા રહ્યા.


બાર્નાબાસ અને પાઉલ અલગ થયા

36 કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, હવે આપણે પાછા ફરીએ, અને જે જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.”

37 યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાની બાર્નાબાસની ઇચ્છા હતી.

38 પણ પાઉલે ધાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને પાછો જતો રહ્યો, અને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી.

39 ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા, અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

40 પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યા પછી તે ચાલી નીકળ્યો.

41 તેણે સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને મંડળીઓને દઢ કરી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan