2 તિમોથી 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અંતના દિવસો 1 પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. 2 કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માતાપિતાનું સન્માન નહિ રાખનારા, કૃતધ્ની, અધર્મી, 3 પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, 4 વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રેમ રાખનારા; 5 ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે. 6 કેમ કે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ પારકા ઘરમાં બેસીને મૂર્ખ, પાપથી લદાયેલી, નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી, 7 હંમેશાં શિક્ષણ લેનારી છતાં પણ સત્યનું જ્ઞાન પ્રાપ્ત નહિ કરી શકે એવી સ્ત્રીઓને પોતાને કબજે કરી લે છે. 8 જેમ જાન્નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતિના, વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. 9 પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ [બંને] ની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે. અંતિમ સૂચનાઓ 10 પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ 11 ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. 12 જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ. 13 પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. 14 પણ જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે. 15 અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. 16 દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. 17 જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India