2 તિમોથી 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુ ખ્રિસ્તનો વફાદાર સૈનિક 1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. 2 જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુ:ખ સહન કર. 4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. 5 વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6 મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7 હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. 8 ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા, [ને] જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ. 9 તે [સુવાર્તા] ને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતાં સુધીનું દુ:ખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10 તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે. 11 આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે: જો આપણે તેમની સાથે મર્યા, તો તેમની સાથે જીવીશું પણ. 12 જો આપણે [અંત સુધી] ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ, તો તે આપણો પણ નકાર કરશે. 13 જો આપણે અવિશ્વાસી હોઈએ, તોપણ તે વિશ્વાસુ રહે છે. તે પોતાનો નકાર કરી શકતા નથી. ઈશ્વરને પસંદ એવો સેવક 14 તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે. 15 જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. 16 પણ અધર્મી અને ખાલી વાદવિવાદથી અલગ રહે. કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે, 17 અને તેઓની વાત ધારાની જેમ ફેલાતી જશે: [એવા માણસોમાંના] હુમનાયસ તથા ફિલેતસ છે. 18 પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિષે ભૂલ ખાઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. 19 પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. 20 પણ મોટા ઘરમાં માત્ર સોનારૂપાનાં જ નહિ, પણ લાકડાનાં તથા માટીનાં પાત્રો પણ હોય છે. તેઓમાંનાં કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે. 21 એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 22 વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. 23 મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદવિવાદોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે. 24 પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ, 25 ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચને ઈશ્વર તેઓને પસ્તાવો [કરવાની બુદ્ધિ] આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. 26 અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે, અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India