Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથી 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:

2 તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


આભારદર્શન અને ઉત્તેજન

3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંત:કરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું નિત્ય સ્મરણ કરું છું.

4 તારાં આંસુઓ સંભારતાં હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં.

5 કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનીકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.

6 માટે હું તને યાદ દેવડાવું છું કે, જે ઈશ્વરનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું.

7 કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.

8 માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ. પણ સુવાર્તાને લીધે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુ:ખ ભોગવ.

9 તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,

10 પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.

11 મને તે [સુવાર્તા] નો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.

12 એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.

13 જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.

14 જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.

15 તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.

16 પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ.

17 પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢીને તે મને મળ્યો.

18 (પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] કેટલી બધી સેવા બજાવી, એ તું સારી રીતે જાણે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan