2 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અમારે માટે પ્રાર્થના કરો 1 છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે. 2 અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે [પ્રાર્થના કરો] ; કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી. 3 પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દઢ કરશે, ને દુષ્ટ [શેતાન] થી તમારું રક્ષણ કરશે. 4 જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ. 5 પ્રભુ તમારાં હ્રદયોને ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો. દરેકે કામ કરવું જોઈએ 6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો. 7 કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો, કેમ કે અમે તમારી સાથે [રહીને] અયોગ્ય રીતે વર્ત્યા નહોતા. 8 અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. 9 અમને અધિકાર નહોતો, એટલા માટે નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો. 10 કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે [તમને] એવી આજ્ઞા કરી હતી કે, જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ. 11 કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદીપણે ચાલે છે, તેઓ કંઈ ઉદ્યોગ કરતા નથી, પણ ઘાલમેલ કરે છે, એવું અમારા સાંભળવામાં આવે છે. 12 હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે, તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય. 13 પણ ભાઈઓ, તમે ભલું કરતાં થાકશો નહિ. 14 કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય. 15 તોપણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો. આખરી શબ્દો 16 હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો. 17 હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમકુશળ [લખું છું] ; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે; એવી રીતે હું લખું છું. 18 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India