૨ શમુએલ 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદ અને મફીબોશેથ 1 દાઉદે પૂછ્યું, “શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે, યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું?” 2 શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજએ તેને પૂછ્યું, “શું તું સીબા છે?” તેણે કહ્યું, “તમારો દાસ તે જ છે.” 3 રાજાએ પૂછ્યું, “શાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું, કે હું તેના પર ઈશ્વરની કૃપા બતાવું?” સીબાએ રાજાને કહ્યું, “યોનાથાનનો એક દિકરો હજી છે, તે પગે લંગડો છે.” 4 રાજાએ તેને પૂછ્યું, “તે ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “તે લો-દરબારમાં અમિયેલના દીકરા માખીરના ઘરમાં છે.” 5 ત્યારે દાઉદ રાજાએ તેને લો-દરબારથી આમિયેલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો. 6 શાઉલના દીકરા યોનાથાનના દિકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો, “જુઓ, તમારો ચાકર [હાજર છે] !” 7 દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.” 8 તેણે નમસ્કાર કરીને કહ્યું, “તમારો દાસ કોણ કે, મારા સરખા મૂએલા કૂતરા પર તમે રહેમનજર રાખો?” 9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “શાઉલનું તથા તેના આખા કુટુંબનું જે કંઈ હતું, તે સર્વ મેં તારા માલિકના દિકરાને પાછું આપ્યું છે. 10 અને તારે તથા તારા દિકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી; અને [તેની ઊપજ] તારે લાવવી કે, જેથી તારા માલિકના દિકરાનું ગુજરાન ચાલે; પણ તારા માલિકનો દિકરો મફીબોશેથ તો હમેશા મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દિકરા તથા વીસ ચાકર હતા. 11 ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે, તે પ્રમાણે તમારો દાસ વર્તશે.” [રાજાએ કહ્યું,] “મફીબોશેથ તો રાજાના એક દિકરાની જેમ મારી મેજ પર જમશે.” 12 અને મફીબોશેથનો મિખા નામે એક નાનો દિકરો હતો. સીબાના ઘરમાં જે રહેતા હતા તે બધા મફીબોશેથના ચાકર હતા. 13 એમ મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે લંગડો હતો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India