૨ શમુએલ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદ ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા બને છે ( ૧ કાળ. ૧૧:૧૯ ; ૧૪:૧-૭ ) 1 ત્યાર પછી ઇઝરાયલનાં સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યાં. તેઓએ કહ્યું, “જુઓ, અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ. 2 ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’” 3 તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો. 4 દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રીસ વર્ષની વયનો હતો, ને તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. 5 હેબ્રોનમાં તેણે યહૂદિયા પર સાત વર્ષ ને છ માસ રાજ કર્યું; અને યરુશાલેમમાં તેણે સર્વ ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું. 6 રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરુશાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે.” 7 તોપણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે. 8 તે દિવસે દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને મારવા ચાહે, તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચઢી જાય, ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંત:કરણ કરે છે, તેઓને મારે. તેથી જ કહેવત ચાલી છે, “આંધળા તથા લંગડા ઘરમાં પેસશે નહિ.” 9 દાઉદ તે કિલ્લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી. 10 અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા તેની સાથે હતા. 11 અને તૂરના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા. તે સાથે એરેજવૃક્ષો, સુતારો તથા સલાટો [પણ] મોકલ્યા. અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું. 12 અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે, ને તેમણે પોતાના લોક ઇઝરાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે. 13 હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરુશાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી. અને દાઉદને હજી બીજા દિકરા તથા દિકરીઓ થયાં. 14 અને યરુશાલેમમાં તેને જે [દિકરાદીકરી] થયાં તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન, 15 યિબ્હાર, તથા અલિશુઆ, નેફેગ, તથા યાફીઆ, 16 અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ. પલિસ્તીઓ પર જીત ( ૧ કાળ. ૧૪:૮-૧૭ ) 17 પલિસ્તીઓએ સાંભળ્યું, “તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, “ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા માટે ચઢી આવ્યા. એ સાંભળીને દાઉદ કિલ્લામાં ઊતરી પડ્યો. 18 હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં પસર્યા હતા. 19 અને યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર, કેમ કે હું નક્કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. 20 દાઉદ બાલ-પરાસીમમાં આવ્યો, ને ત્યાં દાઉદે તેઓને માર્યા. અને તેણે કહ્યું, “જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયા છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બાલ-પરાસીમ પાડ્યું. 21 ત્યાં પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી, ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા. 22 પલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પસર્યા. 23 અને દાઉદે યહોવાની સલાહ પૂછી, ત્યારે તેમણે કહ્યું, “તું અહીંથી ચઢાઈ કરીશ નહિ. પણ ચકરાવો ખાઈને તેમની પાછળની બાજુએ જઈને શેતૂર વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર. 24 અને શેતૂર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા પલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ગયા છે [એમ સમજવું] ” 25 જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી, તેમ તેણે કર્યું. અને તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓને માર્યાં. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India