૨ શમુએલ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ-બોશેથનું ખૂન 1 શાઉલના દિકરા [ઈશ-બોશેથે] સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેના હાથ ઢીલાં પડ્યા, ને સર્વ ઇઝરાયલીઓ ગભરાયા. 2 શાઉલના દિકરા પાસે બે માણસ હતા, તેઓ ટોળીઓના નાયક હતા; એકનું નામ બાના, ને બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દિકરા હતા (કેમ કે બેરોથ પણ બિન્યામીનનું ગણાતું હતું. 3 અને બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા, ને આજ સુધી ત્યાં આવી વસેલા છે.) 4 હવે શાઉલના સદિકરા યોનાથાનને એક દિકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી, ત્યારે તે પાંચ વર્ષનો હતો, ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી. અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. 5 રિમ્મોન બેરોથીના દિકરા રેખાબ તથા બાના ચાલી નીકળીને મધ્યાહને ઈશ-બોશેથને ઘેર પહોંચ્યા, તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો. 6 ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા, અને તેઓએ તેના પેટમાં [ખંજર] ભોકી દીધું. પછી રેખાબ તથા તેનો ભાઈ બાના નાસી ગયા. 7 ઈશ-બોશેથ શયનગૃહમાં પલંગ પર સૂતેલો હતો તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો, ને તેનું માથું કાપી નાખ્યું, ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા. 8 તેઓએ ઈશ-બોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું, “તારો શત્રુ શાઉલ જે તારો જીવ લેવા શોધતો હતો તેના પુત્ર ઈશ-બોશેથનું માથું જો [આ રહ્યું]. આજે યહોવાએ મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે.” 9 દાઉદે રિમ્મોન બેરોથીના દિકરા રેખાબ તથા તેના ભાઈ બાનાને ઉત્તર આપ્યો, “જીવતા યહોઆ જેમણે મારા જીવને સર્વ વિપત્તિઓમાંથી બચાવ્યો છે, તેમના સોગન 10 કે, પોતે આણેલા સમાચાર સારા છે એમ ધારીને કોઈએકે મને એમ કહ્યું, ‘જુઓ, શાઉલ મરણ પામ્યો છે, ’ ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું. 11 તો જ્યારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર મારી નાખ્યો છે, તો તેના ખૂનનો બદલો વિશેષે કરીને તમારી પાસેથી શા માટે ન લઉં, ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું?” 12 અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમને મારી નાખ્યા, ને તેઓના હાથપગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. પણ તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં તે દાટ્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India