Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો; અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું.


દાઉદના પુત્રો

2 દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા : તેનો પ્રથમજનિત આમ્મોન હતો, તે અહિનોમ યિઝ્ર એલીના પેટનો હતો.

3 તેનો બીજો [દિકરો] કિલાબ, તે નાબાલ કાર્મેલીની વિધવઅ અબિગાઇલના પેટનો હતો. ત્રીજો ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દિકરો આબ્શાલોમ હતો.

4 ચોથો, હાગ્ગીથનો દિકરો અદોનિયા હતો. પાંચમો, અબીટાલનો દિકરો શફાટ્યા હતો;

5 અને છઠ્ઠો, દાઉદની પત્ની એગ્લાનો દિકરો યિથ્રામ હતો. એ [પુત્રો] દાઉદને હેબ્રોનમાં થયા હતા.


આબ્નેર દાઉદ સાથે જોડાય છે

6 દાઉદના કુટુંબ તથા શાઉલના કુટુંબ વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન એમ બન્યું કે આબ્નેર શાઉલના કુટુંબને માટે જોરાવર બન્યો.

7 હવે શાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી, તે આયાની દીકરી હતી. અને [ઈશ-બોશેથે] આબ્નેરને કહ્યું, “મારા પિતાની ઉપપત્ની પાસે તું કેમ ગયો?”

8 ત્યારે આબ્નેરે ઈશ-બોશેથનાં વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? આજે તારા પિતા શાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજે આ સ્‍ત્રી વિષે તું મારા પર દોષ મૂકે છે?

9 જો, જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે, ‘હું શાઉલના કુટુંબના હાથમાંથી રાજ્ય લઈ લઈશ, અને તારું રાજ્યાસન ઇઝરાયલ પર અને યહૂદિયા પર, દાનથી તે બેરશેબા સુધી સ્થાપીશ.’

10 તેમ જો હું ન કરું તો ઈશ્વર મારી સાથે કડકમાં કડક રીતે વર્તો.”

11 અને ઉત્તરમાં ઈશ-બોશેથ આબ્નેરને એક પણ શબ્દ કહી શક્યો નહિ, કેમ કે તેને તેનો ડર લાગ્યો.

12 પછી આબ્નેરે પોતા તરફથી દાઉદ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “દેશ કોનો છે?” વળી એમ પણ કહાવ્યું, “મારી સાથે સલાહ કર, એટલે જો, સર્વ ઇઝરાયલને તારા પક્ષમાં ફેરવી લાવવાને મારો હાથ તારી મદદે રહેશે.

13 દાઉદે કહ્યું, “સારું; હું તારી સાથે સલાહ કરીશ, પણ હું તારી સાથે એક શરત કરવા માગું છું. તે એ કે મારું મોં જોવા પામશે નહિ.”

14 અને દાઉદે શાઉલના દિકરા ઈશ-બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “મારી પત્ની મીખાલ કે, જેની જોડે પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ.”

15 અને ઇશ-બોશેથે માણસ મોકલીને તેના ઘણી પાસેથી, એટલે લાઈશના દિકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.

16 અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબ્નેરે તેને કહ્યું, “ચાલ, પાછો જા.” એટલે તે પાછો ગયો.

17 આબ્નેરે ઇઝરાયલના વડીલોની સાથે વાતચીત કરીને કહ્યું, “ગતકાળમાં તમારો રાજા થવા માટે તમે દાઉદને માગતા હતા.

18 તો હવે તે કામ કરો; કેમ કે યહોવાએ દાઉદ વિષે કહ્યું છે, ‘મારા સેવક દાઉદને હાથે હું મારા ઇઝરાયલ લોકને પલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’

19 અને આબ્નેરે બિન્યામીનના કાનમાં પણ વાત કરી. વળી ઇઝરાયલને તથા બિન્યામીનના આખા કુળને જે સારું લાગ્યું હતું તે સર્વ હેબ્રોનમાં દાઉદના કાનમાં કહેવા માટે પણ આબ્નેર ગયો.

20 એમ આબ્નેર પોતાની સાથે વીસ માણસ લઈને દાઉદ પાસે હેબ્રોન આવ્યો. અને દાઉદે આબ્નેર તથા તેની સાથેના માણસોને માટે જમણ કર્યું.

21 અને આબ્નેરે દાઉદને કહ્યું, “હું હવે ઊઠીને વિદાયગીરી લઈશ, ને સર્વ ઇઝરાયલને મારા મુરબ્બી રાજાની પાસે એકત્ર કરીશ કે, તેઓ તમારી સાથે કરાર કરે, ને તમે તમારા મનની ઇચ્છા હોય તે બધા પર રાજ કરો.” પછી દાઉદે આબ્નેરને વિદાય કર્યો. અને એ શાંતિએ ગયો.


આબ્નેરનું ખૂન

22 અને જુઓ, દાઉદના સેવકો તથા યોઆબ એક હુમલો પાડીને પાછા આવ્યા, ને પોતાની સાથે ઘણી લૂંટ લેતા આવ્યા; પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો, કેમ કે તેણે તેને વિદાય કર્યો હતો, ને તે શાંતિએ ગયો હતો.

23 યોઆબ તથા તેની સાથેનું સર્વ સૈન્ય આવ્યા પછિ યોઆબને ખબર મળી, “નેરનો દિકરો આબ્નેર રાજાની પાસે આવ્યો હતો, પણ રાજાએ તેને વિદાય કર્યો ને તે શાંતિએ ગયો છે.”

24 ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તમે [આ] શું કર્યું છે? જો, આબ્નેર તમારી પાસે આવ્યો, ત્યારે તમે તેને વિદાય કરી દીધો, ને તેતદન જતો રહ્યો, એમ કેમ?

25 નેરના દિકરા આબ્નેરને તો તમે ઓળખો છો કે, તમને છેતરવા, તમારી હિલચાલ જાણી લેવા તથા તમે જે કરો છો તે બધાથી માહિતગાર થવા માટે તે આવ્યો હતો.”

26 યોઆબ દાઉદ પાસેથી બહાર નીકળ્યો, એટલે તેણે આબ્નેર પાછળ માણસો મોકલ્યા, ને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા. પણ દાઉદ એ જાણતો નહોતો.

27 આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.

28 દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “નેરના દિકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય યહોવા આગળ સદાકાળ નિર્દોષ છીએ.

29 તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”

30 એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો.


આબ્નેરનું દફન

31 દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકને કહ્યું, “તમે તમારાં વસ્‍ત્રો ફાડો, ને તમારી કમરોએ તાર વીંટાળો, ને આબ્નેરને માટે વિલાપ કરો.” અને દાઉદ રાજા જનાજાની પાછળ ચાલ્યો.

32 અને તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દાટ્યો. રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડયો. સર્વ લોક પણ રડ્યા.

33 રાજાએ આબ્નેરને લીધે શોક કરીને કહ્યું, “જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબ્નેર માર્યો જાય?

34 તારા હાથ બંધાયા ન હતા, કે તારા પગમાં બેડીઓ નખાઈ ન હતી; દુષ્ટ માણસોથી કોઇ માર્યો જાય, તેની જેમ તું માર્યો. સર્વ લોકોએ ફરીથી તેની [કબર] પર શોક કર્યો.

35 અને દાઉદને દિવસ છતાં અન્‍ન ખવડાવવા માટે સર્વ લોકો તેની પાસે આવ્યા. પણ દાઉદે સમ ખાઈને કહ્યું, “સૂર્યાસ્ત થયા પહેલાં જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મને તેવું ને તેથી પણ વધારે વિતાડો.

36 સર્વ લોકોએ એ ધ્યાનમાં લીધું ને તેથી તેઓ ખુશી થયા. કેમ કે રાજાએ જે કંઈ કર્યું તેથી સર્વ લોક ખુશ થયા.

37 તે પરથી તે દિવસે સર્વ લોક તથા સર્વ ઇઝરાયલે જાણ્યું કે, નેરનો દિકરા આબ્નેરના ખૂનમાં રાજાનો હાથ ન હતો.

38 અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે નથી જાણતા કે આજે ઇઝરાયલમાં એક સરદાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?

39 અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan