૨ શમુએલ 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદનાં આખરી વચનો 1 હવે દાઉદનાં છેલ્લાં વચનો આ છે; યિશાઈનો દિકરો દાઉદ કહે છે, અને જે માણસ ઊંચી પદવીએ ચઢ્યો હતો તે, એટલે યાકૂબના ઈશ્વરનો અભિષિક્ત, અને ઇઝરાયલનાં ગીતોમાં જેની કિર્તી ગવાય છે તે કહે છે: 2 “યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું. 3 ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે, 4 તે સવારના, એટલે સૂર્યોદયના, પ્રકાશ જેવો, એટલે નિર્મેઘ સવાર [ના પ્રકાશ જેવો] થશે; [કે જ્યારે] વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી કુમળું ઘાસ ભૂમિમાંથી [ઊગી નીકળે છે].’ 5 નિશ્ચે મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી; તો પણ મારી સાથે તેમણે સદાનો કરાર કર્યો છે, તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે. કેમ કે તે મારું સર્વ તારણ, તથા સર્વ ઇચ્છા છે, તે તેને વધારતા નથી, તો પણ [એ પ્રમાણે છે]. 6 પણ સર્વ બલિયાલપુત્રો તો ઝાડી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહિ. 7 પણ જે કોઈ તેઓને અડકે, તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ. અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે.” દાઉદના પ્રખ્યાત શૂરવીરો ( ૧ કાળ. ૧૧:૧૦-૪૧ ) 8 દાઉદના શૂરવીરો હતા તેમનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેથ; જે અસ્ની અદીનોએ એક જ વેળાએ આઠસોને માર્યા હતા તે જ એ હતો. 9 તેના પછી અહોહીના દિકરા દોદોનો દિકરો એલાઝાર હતો; પલિસ્તીઓ લડાઈને માટે એક્ત્ર થયા, ને ઇઝરાયલના માણસો જતા રહ્યા, ત્યારે દાઉદની સાથે જે ત્રણ શૂરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો. 10 તે ઊઠ્યો, ને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે સળગી રહ્યો, ત્યાં સુધી તેણે પલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જ્ય પમાડ્યો. અને લોકો તો તેની પાછળ ફક્ત લૂટવા ગયા. 11 તેનાથી ઊતરતો આગે હારારીનો દિકરો શામ્મા હતો. [એક પ્રસંગે] પલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા, ત્યારે લોક પલિસ્તીઓ સામેથી નાસી ગયા. 12 પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું, ને પલિસ્તીઓને મારી નાખ્યા. અને યહોવાએ મોટો જ્ય પમાડ્યો. 13 ત્રીસ મુખ્ય માણસોમાંથી ત્રણ જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા. અને પલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી. 14 દાઉદ ત્યારે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું. 15 અને દાઉદે [તરસથી] તલપીને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું!” 16 અને પેલા ત્રણ યોદ્ધા પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા, ને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસેનાં કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસે લઈ આવ્યા; પણ તેણે તે ન પીતાં યહોવા આગળ તે રેડી દીધું. 17 તેણે કહ્યું, “હે યહોવા એમ કરવું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત શું [હું પીઉં] ?” માટે તેણે તે પીધું નહિ. એ કૃત્યો એ ત્રણ શૂરવીરોએ કર્યા. 18 સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી. 19 તે શું ત્રણેમાં સૌથી નામીચો ન હતો? એ કારણથી તે તેઓનો નાયક નિમાયો હતો. તો પણ તે પેલા [પહેલા] ત્રણની બરાબરી કરી શક્યો નહિ. 20 કાબસેલના શૂરવીર ને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દિકરા યહોયાદાના દિકરા બનાયાએ મોઆબના અરીએલ [ના] બે [દિકરા] ને મારી નાખ્યા, વળી એક સમયે હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઊતરીને સિંહને મારી નાખ્યો. 21 વળી તેણે એક દેખાવડા મિસરીને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો; પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો, ને મિસરીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલાથી તેણે તેનો પ્રાણ લીધો. 22 એ કૃત્યો યહોયાદાના દિકરા બનાયાએ કરીને પેલા ત્રણ યોદ્ધાઓમાં નામ મેળવ્યું. 23 પેલા ત્રીસ જણા કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે [પહેલા] ત્રણી બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી પર નીમ્યો હતો. 24 યોઆબનો ભાઈ અસાહેલ, એ પેલા ત્રીસમાંનો એક હતો. વળી બેથલેહેમના દોદોનો દિકરો એલ્હાનાન; 25 શામ્મા હરોદી, અલીકા હરોદી; 26 હેલેસ પાલટી, ઇકકશ તકોઈનો દિકરો ઇરા; 27 અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી; 28 સાલ્મોન અહોહી, મહારાય નેટોફાથી 29 બાના નટોફાથીનો દિકરો હેલેબ; બિન્યામીનપુત્રોના ગિબયાના રીબાયનો દિકરો ઇત્તાય; 30 બનાયા પિરઆથોની, ગાઆશના નાળાનો હિદાય; 31 અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી; 32 એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દિકરાઓમાંનો યોનાથાન; 33 શામ્મા હારારી, શારાર અરારીનો દિકરો અહિઆમ; 34 માકાથીના દિકરા અહાસ્બાયનો દિકરો અલીફેલેટ, અહિથોફેલ ગિલોનીનો દિકરો અલીઆમ; 35 હેસ્સરો કાર્મેલી, પારાય આર્બી; 36 સોબાના નાથાનનો દિકરો યિગાલ, બાની ગાદી; 37 સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દિકરા યોઆબના શસ્ત્રવાહકો; 38 ઇરા યિથ્રી, ગારેબ યિથ્રી; 39 ઉરિયા હિત્તી:બધા મળીને સાડત્રીસ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India