૨ શમુએલ 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શાઉલના વંશજોને મારી નાખવામાં આવ્યા 1 દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.” 2 અને રાજાએ ગિબ્યોનીઓને બોલાવીને તેમને [તે] કહ્યું: (હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલી લોકોમાંના નહિ, પણ અમોરીઓના બાકી રહેલાઓમાંન હતા. અને ઇઝરાયલી લોકોએ તેઓની આગળ સમ ખાધા હતા; પણ શાઉલ ઇઝરાયલી લોકો તથા યહૂદિયા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો;) 3 દાઉદે ગિબ્યોનીઓને પૂછ્યું, “હું તમારે માટે શું કરું? હું શાથી પ્રાયશ્ચિત કરું કે તમે યહોવાના વતનને આશીર્વાદ આપો?” 4 ગિબ્યોનીઓએ તેને કહ્યું, “અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી; તેમ અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” અને તેણે કહ્યું, “તમે જે કહેશો તે હું તમારે માટે કરીશ.” 5 પછી તેઓએ રાજાને કહ્યું, “જે માણસ અમને ખાઈ જતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો, 6 તેના દિકરાઓમાંથી સાત માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી આપીશું.” રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.” 7 પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો. 8 પણ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દિકરા આયાની દિકરી રિસ્પાને પેટે થયા હતા તેઓને, તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દિકરા આદ્રીએલના જે પાંચ દિકરા શાઉલની દિકરી મેરાબને પેટે થયા હતા, 9 તેઓને રાજાએ લઈને ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યા. તેમને તેઓએ પર્વત પર યહોવા આગળ ફાંસીએ ચઢાવ્યા, તે સાતે જણ સાથે માર્યા ગયા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભના તેઓને મારી નાખવામાં આવ્યા. 10 આયાની દીકરી રિસ્પાએ તાટ લઈને, કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે, રાત્રે વનચર પશુઓને તેઓ [નાં મુડદાં] પર આવવા દીધાં નહિ. 11 અને આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી. 12 અને દાઉદે જઈને શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં યાબેશ-ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાણા ચકલામાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો હતો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં ટાંગ્યાં હતાં. 13 અને તે ત્યાંથી શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં લઈ આવ્યો. અને ફાંસીએ ચઢાવેલાઓનાં હાડકાં તેઓએ એક્ત્ર કર્યાં. 14 અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટ્યાં. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બંધ કર્યું. ત્યાર પછી ઈશ્વરે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી. પલિસ્તી શૂરવીરો સામે યુદ્ધો ( ૧ કાળ. ૨૦:૪-૮ ) 15 ફરીથી પલિસ્તીઓએ ઇઝરાયલ સાથે વિગ્રહ કર્યો. દાઉદ તથા તેની સાથે તેના ચાકરો જઈને પલિસ્તીઓ સાથે લડ્યા. અને દાઉદ નિર્ગત થઈ ગયો. 16 રફાહપુત્રોમાંનો યિશ્બી-બનોબ નામે એક માણસ હતો, તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ હતું. તેણે નવી [તરવાર] કમરે બાંધી હતી, તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો. 17 પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.” 18 એ પછી એમ થયું કે ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું. ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહપુત્રોમાંના સાફને માર્યો. 19 ફરીથી ગોબ પાસે પલિસ્તીઓ સાથે યુદ્ધ થયું; અને બેથલેહેમી યાઅરે-ઓરગીમના દિકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તી, જેના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો, તેને માર્યો. 20 વળી ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક મોટો કદાવર માણસ હતો, જેના દરેક હાથમાં છ છ આંગળાં ને દરેક પગે છ છ આંગળાં, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં; તે પણ રફાના પેટનો હતો. 21 તેણે ઇઝરાયલનો તિરસ્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમાયના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો. 22 એ ચારે જણ ગાથમાંના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India