Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”

2 તેથી ઇઝરાયલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા, ને બિખ્રીના દિકરા શેબાની તહેનાતમાં ગયા. પણ યહૂદિયાના માણસો, યર્દનથી તે યરુશાલેમ સુધી, પોતપોતાના રાજાને વળગી રહ્યા.

3 અને દાઉદ યરુશાલેમમાં પોતાને ઘેર આવ્યો. અને રાજાએ જે દશ સ્‍ત્રીઓને, એટલે પોતાની ઉપપત્નીઓને, ઘર સંભાળવા માટે મૂકી હતી, તેમને પરહેજ કરી, તેઓના ભરણપોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહિ. એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાસ્થાનમાં રહી.

4 પછી રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને ત્રણ દિવસની અંદર મારી પાસે ભેગા કર, ને તું અહીં હાજર થા.

5 તેથી અમાસા યહૂદિયાને એક્ત્ર કરવા ગયો; પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી, તે કરતાં તેને વધારે વિલંબ થયો.

6 અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”

7 અને યોઆબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા; તેઓ બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા.

8 તેઓ ગિબ્યોનમાંના મોટા ખડક પાસે પહોંચ્યા, ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો, અને યોઆબે કવચ પહેરેલું હતું ને તે પર કમરે કમરપટો બાંધેલો હતો. તેમાં મ્યાન સહિત તરવાર હતી; અને તે ચાલતો હતો તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી.

9 અને યોઆબે અમાસાને કહ્યું, “હે મારા ભાઈ, શું તું ક્ષેમકુશળ છે?” પછી યોઆબે અમાસાને ચુંબન કરવા પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી.

10 પણ યોઆબના હાથમાં તરવાર હતી તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહિ; અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેનાં આંતરડાં ભૂમિ પર પડ્યાં, તેણે તેને બીજો ઘા કર્યો નહિ; અને તે [તરત] મરી ગયો. પછી યોઆબ તથા તેનો ભાઈ અબિશાય બિખ્રીના દિકરા શેબાની પાછળ પડ્યા.

11 યોઆબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય, તે યોઆબની પાછળ જાય.

12 અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાની લોહીની અંદર આળોટતો પડેલો હતો. અને તે માણસે જોયું કે, સર્વ લોક ત્યાં ઊભા રહે છે, ત્યારે તે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો, ને તેના પર એક વસ્‍ત્ર ઓઢાડ્યું, કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાંજ ઊભો રહેતો.

13 તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યોઆબની પાછળ ગયા.

14 તે ઇઝરાયલનાં સર્વ કુળોમાં થઈને આબેલમાં, તથા બેથ-માકામાં તથા સર્વ બિખ્રીઓમાં ફર્યો; અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા.

15 તેઓએ આવીને બેથ-માકાના આબેલમાં તેને ઘેરી લીધો, ને નગરની સામે માટીનો મોરચો બાંધ્યો; તે [નગરના] કોટની લગોલગ આવેલો હતો. અને યોઆબની સાથે જે બધા લોક હતા, તેઓ ગામના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવવા લાગ્યા.

16 ત્યારે એક શાણી સ્‍ત્રીએ નગરમાંથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો; કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, ને હું તેની સાથે વાત કરું.”

17 અને તે તેની પાસે આવ્યો; ત્યારે તે સ્‍ત્રીએ પૂછ્યું, “શું તમે યોઆબ છો?” તેણે ઉત્તર આપ્યો, “હું તે છું.” ત્યારે તેણે તેને કહ્યું, “તમારી દાસીનાં વચનો સાંભળો.” તેણે કહ્યું, “હું સાંભળું છું.”

18 ત્યારે તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો કહેતા કે, લોકો આબેલમાં નિશ્ચે [સલાહ] પૂછશે; અને એમ કરીને તેઓ [તકરારી] વાતના નિર્ણય લાવતા.

19 જેઓ ઇઝરાયલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓમાંની હું પણ એક છું. તમે ઇઝરાયલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરો છો. યહોવાના વારસાને તમે શા માટે નાશ કરવા માગો છો?”

20 યોઆબે તેને ઉત્તર આપ્યો “હું ગળી જાઉં કે નાશ કરું, એ મારાથી દૂર હોજો, મારાથી દૂર હોજો.

21 વાત એમ નથી; પણ એફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ, બિખ્રીનો દિકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ.”

22 પછી તે સ્‍ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ. એટલે તેઓએ બિખ્રીના દિકરા શેબાનું માથું કાપીને યોઆબ પાસે નાખ્યું. અને તેણે રણશિંગડું વગાડ્યું, એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોતપોતાના તંબુએ ગયા. પછી યોઆબ રાજા પાસે યરુશાલેમમાં પાછો આવ્યો.


દાઉદના અમલદારો

23 હવે યોઆબ ઇઝરાયલના સર્વ સૈન્યનો ઉપરી હતો; અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો.

24 અદોરામ વસૂલાતખાતા પર હતો; અહીલૂદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો;

25 શેવા ચિટનીસ હતો; અને સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

26 ઈરા યાઈરી પણ દાઉદનો મુખ્ય કારભારી હતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan