2 પિતર 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુના આગમન સંબંધીનું વચન 1 વહાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું, અને બન્ને [પત્રો] થી તમારાં નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું; કે 2 પવિત્ર પ્રબોધકોદ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં, તેઓનું, પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો. 3 પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, 4 અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે. 5 કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. 6 તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. 7 પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે. 8 પણ, વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે, પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે. 9 વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે. 10 પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે. 11 તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? 12 ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. 13 તોપણ આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ. 14 એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. 16 તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે તેણે એમ જ કહ્યું છે. તે [પત્રો] માં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે મારીમચડીને અવળો અર્થ કરે છે. 17 માટે, વહાલાંઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે, અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો. 18 પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India