૨ રાજા 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યેહૂનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક 1 એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાંના એકને બોલાવીને તેને કહ્યું, “તારી કમર બાંધ, ને તારા હાથમાં આ તેલની સીસી લઈને રામોથ-ગિલ્યાદ જા. 2 ત્યાં જઈને નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂને શોધી કાઢજે, ને અંદર જઈને તેને તેના ભાઇઓમાંથી ઉઠાડીને અંદરની ઓરડીમાં તેને લઈ જજે. 3 પછી તેલની સીસી લઈને તેના માથા પર રેડજે, ને કહેજે, ’યહોવા એમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી બારણું ઉઘાડીને નાસી આવજે, વિલંબ કરીશ નહિ.” 4 માટે તે જુવાન, એટલે એ જુવાન પ્રબોધક, રામોથ-ગિલ્યાદ ગયો. 5 તે આવ્યો ત્યારે જુઓ, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાને કહ્યું, “હે સરદાર, હું તમારે માટે સંદેશો લાવ્યો છું.” યેહૂએ કહ્યું, “અમ સર્વમાંથી કોને માટે?” તેણે કહ્યું, “હે સરદાર, તમારે માટે.” 6 ત્યારે એ ઊઠીને ઘરમાં ગયો. જુવાને યેહૂના માથા પર તેલ રેડીને એને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે, ‘મેં તને યહોવાના લોક પર, એટલે ઇઝરાયલ પર, રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. 7 તું તારા ધણી આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝબેલ પર વાળું. 8 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે; અને હું આહાબના દરેક નર બાળકને, તથા ઇઝરાયલમાં જે બંદીવાન હોય તેને તેમ જ જે છૂટો હોય તેને નાબૂદ કરીશ. 9 અને આહાબના કુટુંબને હુંનબાટના દીકરા યરોબામના કુટુંબની માફક, ને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. 10 અને ઇઝબેલને યિઝ્એલના વાંટામાં કૂતરાં ખાશે, અને એને દાટનાર કોઈ નહિ હોય.’” પછી તે દ્વાર ઉઘાડીને નાસી ગયો. 11 ત્યાર પછી યેહૂ પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો; અને એક જણે તેને પૂછ્યું, “બધું ઠીક છે કે નહિ? એ ગાંડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો?” તેણે તેમને કહ્યું, ”એ માણસને તમે ઓળખો છો, ને તેણે શી વાત કરી તે તમે જાણો છો.” 12 તેઓએ તેને કહ્યું, “એ બધું ઠીક છે. ખરી વાત અમને કહે.” પછી તેણે તેઓને કહ્યું, ”એણે મને આમ આમ કહ્યું, એટલે કે યહોવા આમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.” 13 ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે બિછાવીને રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.” ઇઝરાયલના યોરામ રાજાની હત્યા 14 આ પ્રમાણે નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂએ યોરામની સામે બંડ કર્યું. (હવે યોરામ તથા સર્વ ઇઝરાયલ, અરામના રાજા હઝાએલના કારણથી, રામોથ-ગિલ્યાદને બચાવી રાખતા હતા. 15 પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને જે ઘા માર્યા હતા, તેથી સાજો થવા માટે તે યિઝ્એલ પાછો આવ્યો હતો.) યેહૂઞ કહ્યું, “જો તમારું મન એવું હોય, તો યિઝ્એલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી નીકળવા દેશો નહિ.” 16 માટે યેહૂ રથમાં બેસીને યિઝ્એલ ગયો; કેમ કે યોરામ ત્યાં પડેલો હતો, અને યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો. 17 હવે એક પહેરેગીર યિઝ્એલના બુરજ પર ઊભો હતો, ને તેણે યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, “મારા જોવામાં તો એક ટોળી આવે છે.” યોરામે કહ્યું, “એક સવાર લઈને તેમની સામે મોકલ, તને તે એવું પૂછે છે કે શું સલાહશાંતિ છે?” 18 આથી એક ઘોડેસવાર યેહૂની સામે ગયો, ને તેણે કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” પછી પહેરેગીરે ખબર આપી, “સંદેશિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી.” 19 પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો; એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?”યેહૂએ ઉત્તર આપ્યો, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” 20 પહેરેગીરે ખબર આપી, “તે પણ તેમની પાસે પહોચ્યો છે, પણ પાછો આવતો નથી. વળી સવારી કરવાની રીત તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી છે; કેમ કે તે અતિ જોસભેર સવારી કરે છે.” 21 અને યોરામે કહ્યું, “તૈયારી કરો.” તને તેઓએ તેનો રથ તૈયાર કર્યો. અને ઇઝરાયલનો રાજા યોરામ તથા યહૂદિયાનો રાજા અહાઝ્યા પોતપોતાના રથમાં બેસીને નીકળ્યા, ને તેઓ યેહૂની સામા આવ્યા. અને તે તેઓને યિઝ્એલી નાબોથના વાટામાં મળ્યો. 22 યોરામે યેહૂને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું, યેહૂ શું સલાહશાંતિ છે?” તેણે ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તમારી મા ઇઝબેલ વ્યભિચાર તથા જાદુકર્મ કર્યા કરતાં હોય, ત્યાં સુધી શી શાંતિ હોય?” 23 એથી યોરામ પોતાની પીઠ ફેરવીને પાછો નાઠો, ને અહાઝ્યાને કહ્યું, “અહાઝ્યા, દગો છે.” 24 પછી યેહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું, તે બાણ તેના હ્રદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું, ને તે રથમાં ઢળી પડ્યો. 25 પછી [યેહૂએ] પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને યિઝ્એલી નાબોથના ખેતરના વાંટામાં નાખ; કેમ કે જ્યારે હું ને તું સાથે સાથે તેના પિતા આહાબ પાછળ સવારી કરતા હતા, ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ ઈશ્વરવાણી ઉચ્ચારી હતી તે યાદ કર: 26 યહોવા કહે છે કે, ‘ખરેખર, મેં કાલે નાબોથનું રક્ત તથા તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ અને યહોવા કહે છે કે, ‘એ વાંટામાં હું તારી પાસેથી બદલો લઈશ.’ તો હવે યહોવાના વચન પ્રમાણે એને ઉઠાવીને તે વાંટામાં નાખ.” યહૂદિયાનો રાજા અહાઝ્યા મરાયો 27 પણ યહૂદિયાનો રાજા અહાઝ્યા એ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસવા લાગ્યો. યેહૂએ તેની પાછળ પડીને કહ્યું, “તેને પણ રથમાં બેઠેલો મારો.” તેથી યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ [તેઓએ તેને માર્યો] તે મગિદ્દોમાં નાસી ગયો, ને ત્યાં મરણ પામ્યો. 28 તેના ચાકરો તેને એક રથમાં યરુશાલેમ લઈ ગયા, ને તેઓએ તેને દાઉદનગરમાં તેને પિતૃઓની સાથે તેની કબરમાં દાટ્યો. 29 આહાબના દીકરા યોરામને અગિયારમે વર્ષે અહાઝ્યા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. રાણી ઇઝબેલની હત્યા 30 યેહૂ ઇઝ્એલ આવ્યો, ત્યારે ઇઝબેલે એ સાંભળ્યું. તેણે પોતાની આંખોમાં અંજન આંજીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું. 31 એહૂ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે ઇઝબેલે પૂછયું, “હે પોતાના ધણીનું ખૂન કરનાર, ઝિમ્રી, શું શાંતિ છે?” 32 અને યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, “મારા પક્ષનો કોણ છે? કોણ છે?” અને બે ત્રણ ખોજાઓએ બહાર ડોકિયું કર્યું. 33 તેણે તેમને કહ્યું, “તેને નીચે નાખી દો.” માટે તેઓએ તેને નીચે નાખી દીધી. અને તેના રકતના છાંટા ભીંત પર તથા ઘોડાઓ પર પડ્યા. અને તેઓએ તેને પગ નીચે ખૂંદી. 34 પછી અંદર જઈને તેણે ખાધુંપીધું; અને તેણે કહ્યું, “હવે પેલી શાપિત સ્ત્રીને સંભાળીને દાટો, કેમ કે તે રાજપુત્રી છે.” 35 અને તેઓ તેને દાટવા ગયા; પણ તેની ખોપરી, પગ તથા હથેલીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ. 36 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાનું વચન જે તેમણે પોતાના સેવક તિશ્બી એલિયા ધ્વારા કહ્યું હતું તે આ છે કે, ‘ઇઝબેલનું માસ યિઝ્એલના વાંટામાં કૂતરાં ખાશે; 37 અને ઇઝબેલની લાશ યિઝ્એલના વાંટાના ખેતરમાં ખાતરરૂપ થશે, જેથી લોકો એમ નહિ કહે કે, આ ઇઝબેલ છે.”’ |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India