Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શુનેમની સ્ત્રીને મિલકત પાછી મળી

1 જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”

2 પછી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી, ને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.

3 સાતમાં વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ.

4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે [તે વખતે] એવી વાત કરતો હતો, “એલિશાએ જે જે મોટાં કૃત્યો કર્યા છે તે બધા કૃપા કરીને મને કહે.”

5 અને મૂએલાને એલિશાએ કેવી રીતે સજીવન કર્યો હતો, એ ગેહઝી રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે, જુઓ, જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે [આવીને] રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેહઝીએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે, ને આ તેનો દીકરો છે કે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”

6 રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, ત્યારે તેણે [પોતાની હકીકત] તેને કહી. તેથી રાજાએ તેને માટે એક ખાસ અધિકારી ઠરાવી આપીને એને કહ્યું, “તેનું જે હતું તે સર્વ, તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી તે આજ સુધીની તેના ખેતરની બધી ઊપજ તેને પાછી અપાવ.”


એલિશા અને અરામી રાજા બેન-હદાદ

7 પછી એલિશા દમસ્કસ ગયો. તે વખતે અરામનો રાજા બેન-હદાદ માંદો હતો. તેને એવી ખબર મળી કે “ઈશ્વરભક્ત અત્રે આવ્યા છે.”

8 અને રાજાએ હઝાએલને કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા. ને તેમની મારફતે યહોવાને પુછાવ કે, શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ?”

9 માટે હઝાએલ તેને મળવા ગયો, ને પોતાની સાથે દમસ્કસમાંથી બધી સારી સારી વસ્તુઓની ચાળીસ ઊંટભાર ભેટ લીધી, ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ?’”

10 એલિશાએ તેને કહ્યું, “જઈને તેને કહે કે, તું નક્કી સાજો થશે; પરંતુ યહોવાએ તો મને એમ બતાવ્યું છે કે તે નક્કી મરી જશે.”

11 અને એ એકી નજરે [હઝાએલની સામું] જોઈ રહ્યો, એટલે સુધી કે તે શરમાઈ ગયો; અને ઈશ્વરભક્ત રડી પડ્યો.

12 હઝાએલે તેને પૂછ્યું, “મારા મુરબ્બી શા માટે રડો છો?” એણે ઉત્તર આપ્યો, “તું ઇઝરાયલી લોકો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવારથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરીશ, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”

13 પણ હઝાએલે કહ્યું, “તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે?” એલિશાએ ઉત્તર આપ્યો, “યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”

14 પછી હઝાએલ એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે ઉત્તર આપ્યો, “તેમણે મને કહ્યું કે, ‘તમે નક્કી સાજા થશો.’”

15 બીજે દિવસે એમ થયું કે હઝાએલે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મુખ પર ઓઢાડી, ને તેથી તે મરણ પામ્યો. અને તેની જગાએ હઝાએલે રાજ કર્યું.


યહૂદિયાનો યહોરામ રાજા
( ૨ કાળ. ૨૧:૧-૨૦ )

16 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામને પાંચમે વર્ષે યહોશાફાટ યહૂદિયાનો રાજા હોવા છતાં, યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો યહોરામ રાજ કરવા લાગ્યો.

17 તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.

18 આહબના ઘરનાંએ કર્યું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.

19 તોપણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે યહોવાએ દાઉદને તેના સંતાનોને માટે સદા દીવો આપવાનું વચન આપ્યું હતું.

20 યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બંડ કરીને પોતા પર એક રાજા ઠરાવ્યો.

21 ત્યારે યહોરામ તેના સર્વ રથો સુદ્ધાં સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓને તથા રથાધિપતિઓને માર્યા, અને સર્વ લોક પોતાના તંબુઓએ નાસી ગયા.

22 આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંડ કરેલું છે. વળી તે જ સમયે લિબ્નાએ પણ બંડ કર્યું.

23 અને યહોરામના બાકીનાં કૃત્યો, ને તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

24 યહોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા અહાઝ્યાએ રાજ કર્યું.


યહૂદિયાનો રાજા અહાઝ્યા
(૨ કાળ. ૨૨:૧-૬ )

25 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામને બારમે વર્ષે યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા રાજ કરવા લાગ્યો.

26 અહાઝ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું. એ ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.

27 અહાઝ્યા આહાબના ઘરનાંને માર્ગે ચાલ્યો, ને આહાબના ઘરનાંએ કર્યું તેમ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમાઈ હતો.

28 તે આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલની સામે રામોથ-ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અને અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.

29 તે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા માર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્‍એલ આવ્યો. અને યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા યિઝ્‍એલમાં આહાબના દીકરા યોરામને જોવા ગયો, કેમ કે યોરામ માંદો હતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan