૨ રાજા 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમનું પતન ( ૨ કાળ. ૩૬:૧૩-૨૧ ; યર્મિ. ૫૨:૩-૧૧ ) 1 [સિદકિયાની] કારકિર્દીના નવમાં વર્ષે દશમાં માસમાં, માસને દશમે દિવસે એમ થયું કે, બાબિલનો ટાજા નબૂખાદનેસ્સાર પોતાનું પૂરેપૂરું સૈન્ય લઈને યરુશાલેમ પર ચઢી આવ્યો, ને તેની સામે છાવણી નાખી. અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યાં. 2 એ પ્રમાણે સિદકિયા રજાના અગિયારમાં વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો. 3 [ચોથા] માસને નવમે દિવસે નગરમાં એવો સખત દુકાળ હતો કે, લોકને માટે બિલકુલ ખોરાક ન હતો. 4 પછી નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું, ને બધાં લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીંતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને [નાઠા]. (હવે કાસ્દીઓએ નગરને ઘેરી લીધું હતું છતાં) [રાજા] અરાબાને માર્ગે નાઠો. 5 પણ કાસ્દીઓનું સૈન્ય રાજાની પાછળ પડ્યું, તેઓએ તેને યરીખોના મેદાનમાં પકડી પાડ્યો. અને તેનું બધું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. 6 પછી તેઓ રાજાને પકડીને તેને બાબિલના રાજા પાસે રિબ્લાહમાં લાવ્યા; તને તેઓએ તેને સજા ફરમાવી. 7 એ પ્રમાણે તેઓએ સિદકિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા, સિદકીયાની આંખો ફોડી નાખી, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા. મંદિરનો નાશ ( યર્મિ. ૫૨:૧૨-૩૩ ) 8 પાચમાં માસમાં તે માસને સાતમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને ઓગણત્રીસમે વર્ષે, બાબિલના રાજાનો ચાડર, એટલે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદ્દાન યરુશાલેમ આવ્યો. 9 તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશાલેમમાંનાં સર્વ ઘરો બાળી નાખ્યાં, એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાંખ્યું. 10 રક્ષક ટુકડીના સરદારની સાથે આવેલા કાસ્દીઓના સઘળા સૈન્યે યરુશાલેમના કોટ ચારે તરફથી તોડી પાડ્યા. 11 બાકીના લોક જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને, તથા જેઓ ફૂટી જઈને બાબિલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને, તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને લઈ ગયો. 12 પણ રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને દ્રાક્ષાવાડીઓના માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા. 13 યહોવાના મંદિરમાંના પિત્તળના થાંભલા, જળગાડીઓ તથા પિત્તળનાં સમુદ્રના ટુકડા કરીને કાસ્દીઓ તેમનું પિત્તળ બાબિલ લઈ ગયા. 14 વળી તપેલાં, તવેથા, કાતરો, ચમચા તથા પિત્તળના જે પાત્રો વડે તેઓ સેવા કરતા હતા. તે સર્વ તેઓ લઈ ગયા. 15 રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તતા કૂંડીઓ લઈ ગયો. 16 યહોવાના મંદિરને માટે સૂલેમાને બનાવેલા બે થાંભલા, એક સમુદ્ર તથા જળગાડીઓ, એ સર્વ પાત્રોનું પિત્તળ અણતોલ હતું. 17 એક થાંભલાની ઊંચાઈ અઢાર હાથ હતી, ને તેના પર પિત્તળનું મથાળું હતુ. મથાળાની ઊંચાઈ ત્રણ હાથ હતી. મથાળ પર ચારે તરફ જાળી તથા દાડમો પાડેલા હતા, તે તમામ પિત્તળનાં હતાં. આની જેમ બીજા થાંભલાને પણ જાળીદાર નકશી [પાડેલી] હતી. યહૂદિયાના લોકો બાબિલનાં બંદીવાસમાં ( યર્મિ. ૫૨:૨૪-૨૭ ) 18 રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા ત્રણ દ્વારરક્ષકોને લીધા. 19 વળી તેણે નગરમાંથી લશ્કરી સિપાઈઓના ઉપરી અમલદાટને, રાજાની હજૂરમાં રહેનારાઓમાંના પાંચ માણસો જેઓ નગરમાં મળ્યા તેઓને, દેશના લોકોની હાજરી લેનાર સેનાપતિના ચિટનીસને, તથા દેશના લોકોમાંથી નગરમાં મળેલા સાઠ માણસોને પોતાની સાથે લીધા. 20 રક્ષક ટુકડીના સરદાર નબૂઝારદાન તેઓને રિબ્લાહમાં બાબિલના રાજાની પાસે લાવ્યો. 21 બાબિલના રાજાએ તેઓને હમાથ દેશમાંના રિબ્લાહમાં માટી નાખ્યા. એ પ્રમાણે યહૂદિયાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા. ગદાલ્યા યહૂદિયાનો સૂબો ( યર્મિ. ૪૦:૭-૯ ; ૪૧:૧-૩ ) 22 જે લોકોને દેશમાં રહેવા દેવામાં આવ્યા, એટલે જેમને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશમાં રહેવા દીધા, તેઓ પર તેણે શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સૂબો ઠરાવ્યો. 23 હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને લૂબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ, એટલે નથાન્યાનો દીકરો ઈશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. 24 ગદાલ્યાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ સમ ખાઈને તેઓને કહ્યું, કાસ્દીઓના ચાકરોથી બીશો નહિ. દેશમાં વસો, ને બાબિલના રાજાને તાબે રહો, તેથી તમારું હિત થશે. 25 પણ યર્મિ. ૪૧:૧-૩. સાતમા માસમાં એમ થયું કે, એલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઈશ્માએલ, જે રાજવંશી હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને આવ્યો. ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદિયો તથા કાસ્દીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને [પણ મારી નાખ્યા]. 26 પછી નાનામોટા સર્વ લોક તથા સૈન્યના સરદારો ઊઠીને મિસરમાં ગયા, કેમ કે તેઓ કાસ્દીઓથી બીધા. યહોયાખીનને જેલમુક્તિ ( યર્મિ. ૫૨:૩૧-૩૪ ) 27 યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાન થયાના સાડત્રીસમાં વર્ષે, બારમાં માસમાં, તે માસને સત્તાવીસમે દિવસે એમ થયું કે બાબિલના રાજા એવિલ-મરોદાખે, પોતે રાજા થયો તે વર્ષે, યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી કાઢીને તેને ઉચ્ચ પદવી આપી. 28 તેણે તેની સાથે માયાળુપણે વાત કરી, ને પોતાની હજૂરમાં બાબિલમાં જે રાજાઓ હતા, તેઓના આસનો કરતાં તેનું આસન તેણે ઊંચી જગાએ મૂક્યું. 29 તેનો બંદીવાનનો પોષાક તેણે બદલાવ્યો, ને તેના આયુષ્યના સર્વ દિવસો સુધી તેણે હમેશાં તેની સાથે રોટલી ખાધી. 30 વળી તેની ખરચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હમેશાં દરરોજનું ભથ્થું મળતું હતું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India