૨ રાજા 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહૂદિયાના યોશિયાનો રાજ્યકાળ ( ૨ કાળ. ૩૪:૧-૨ ) 1 યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું, તેની માનું નામ યદીદા હતું, તે બોસ્કાથના અદાયાની દીકરી હતી. 2 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો, તે ડાબે કે જમણે હાથે ફર્યો નહિ. નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું ( ૨ કાળ. ૩૪:૮-૨૮ ) 3 યોશિયા રાજાને અઢારમે વર્ષે એમ થયું કે રાજાએ મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન ચિટનીસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો, 4 “તું મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા કે, જે પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવ્યા છે, જે દ્વારરક્ષકોએ લોકો પાસૅથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે. 5 અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપે, અને તેઓ તે [પૈસા] યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે; 6 એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને, અને મંદિર સમારવાને લાકડાં તથા ટાંકેલા પથ્થરો ખરીદવા માટે તે આપે.” 7 તો પણ જે પૈસા તેમના હાથમાં અપવામાં આવતા તેનો હિસાબ તેમની પાસેથી લેવામાં આવતો નહિ; કેમ કે તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા. 8 મુખ્ય યાજક હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું, ને એણે તે વાંચ્યું. 9 પછી શાફાન ચિટનીસ રાજા પાસે ગયો, ને રાજા પાસે પાછી ખબર લાવીને કહ્યું, “જે પૈસા મંદિરમાંથી મળ્યા, તે લઈને તમારા સેવકોએ યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા છે.” 10 વળી શફાન ચિટનીસે રાજાને ખબર આપી, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” અને શાફાને તે રાજાની આગળ વાંચ્યું. 11 રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં. 12 અને રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, શાફાન ચિટનીસને તથા રાજાના ચાકર અસાયાને આજ્ઞા કરી, 13 “તમે જઈને આ મળેલા પુસ્તકમાંનાં વચનો વિષે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદિયા માટે યહોવાને પૂછો; કેમ કે આપણા વિષે જે બધું લખેલું છે તે પ્રમાણે કરવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ કાન ધર્યો નથી, તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.” 14 માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા આસાયા, પોષાકખાતાના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. (હવે તે યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી.) અને તેઓએ તેની સાથે વાત કરી. 15 તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે, ‘જે પુરુષે તમને મારી પાસે મોકલ્યા તેને કહો કે, 16 યહોવા એમ કહે છે કે, જો, યહૂદિયાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેનાં સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ; 17 કેમ કે તેઓએ પોતાના હાથનાં સર્વ કામથી મને રોષ ચઢાવવા માટે મારો ત્યાગ કર્યો છે; ને અન્ય દેવો આગળ ધૂપ બાળ્યો છે; માટે આ જગા પર મારો કોપ પ્રગટશે, ને તે હોલવાશે નહિ. 18 પણ યહૂદિયાનો રાજા જેણે તમને યહોવાને પૂછવા માટે મોકલ્યા તેને તમે એવું કહેજો કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એવું કહે છે કે, 19 હું જગા વિષે તથા તેમાંના બધા રહેવાસીઓ વિષે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારું હ્રદય નમ્ર થયું, ને યહોવા આગળ તું લીન થઈ ગયો, ને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે. 20 માટે જો, હું તને તારા પોતૃઓની ભેગો મેળવી દઈશ, ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે, ને જે સઘળી વિપત્તિ હું આ જગા પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ, ’” પછી તેઓએ પાછા આવીને રાજાને ખબર આપી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India