૨ રાજા 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહૂદિયાના આહાઝનો રાજ્યકાળ ( ૨ કાળ. ૨૮:૧-૨૭ ) 1 રમાલ્યાના દીકરા પેકાહને સત્તરમે વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાઝ રાજ કરવા લાગ્યો. 2 આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પિતૃ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, તે પ્રમાણે તેણે કર્યું નહિ. 3 પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો. 4 તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર, તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. 5 તે સમયે અરામનો રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમ પર યુદ્ધ કરવા ચઢી આવ્યા. તેઓએ આહાઝને ઘેરી લીધો, પણ તેને જીતી શક્યા નહિ. 6 તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, ને એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, તેઓ આજ સુધી ત્યાં છે. 7 આહાઝે આશૂરના રાજા તિગ્લાથ-પિલેસેર પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઊઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇઝરાયલના રાજાના હાથમાંથી મને બચાવ.” 8 પછી આહાઝે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આશૂરના રાજાને ભેટ દાખલ મોકલ્યું. 9 આશૂરના રાજાએ તેનું સાંભળ્યું; અને આશૂરના રાજાએ દમસ્કસ પર ચઢાઈ કરીને તે સર કર્યું, ને [તેના લોકો] ને પકડીને કીર લઈ ગયો, ને રસીનને મારી નાખ્યો. 10 આહાઝ રાજા આશૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને મળવા દમસ્કસ ગયો. તેણે દમસ્કસમાંની વેદી જોઈ; અને આહાઝ રાજાએ તે વેદીનો ઘાટ તથા તેનો નમૂનો તેની બધી કારીગરી પ્રમાણે [ઉતારીને] ઊરિયા યાજક પર મોકળ્યા. 11 આહાઝ રાજાએ જે બધું દમસ્કસમાંથી મોકલ્યું હતું તે પ્રમાણે ઊરિયા યાજકે વેદી બાંધી. દમસ્કસથી આહાઝ રાજાના આવતાં સુધીમાં ઊરિયા યાજકે તે કામ પૂરું કર્યું. 12 રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે રાજાએ તે વેદી જોઈ; અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચઢાવ્યાં. 13 તેણે વેદી પર પોતાના દહનીયાર્પણનો તથા પોતાના ખાદ્યાર્પણનો હોમ કર્યો, ને પોતાનું પેયાર્પણ રેડ્યું, ને પોતાનાં શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું. 14 યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તેને મંદિરને મોખરેથી, એટલે પોતાની વેદી તથા યહોવાના મંદિરની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર બાજુએ મૂકી. 15 આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.” 16 આહાઝ રાજાએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊરિયા યાજકે કર્યું. 17 આહાઝ રાજાએ જળગાડીઓની તખતીઓ કાપી નાખી. ને તે પરનાં કૂંડા લઇ લીધાં. અને સમુદ્રને પિત્તળના ગોધા પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો. 18 અને સાબ્બાથને માટે જે ઢંકાયેલો રસ્તો મંદિરની અંદર તેઓએ બાંધેલો હતો તે, તથા રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશૂરના રાજાને લીધે ફેરવીને યહોવાના મંદિરમાં વાળ્યો. 19 હવે આહાઝે કરેલાં બાકીનાં કૃત્યો તે યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 20 અને આહાઝ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા હિઝકિયાએ રાજ કર્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India