Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયાનો રાજા અમાસ્યા
( ૨ કાળ. ૨૫:૧-૨૪ )

1 ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશને બીજે વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.

2 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષની વયનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું, તે યરુશાલેમની હતી.

3 એણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યુ, તોપણ તેના પિતૃ દાઉદની જેમ નહિ; તેણે તેના પિતા યોઆશનાં સઘળાં કૃત્ય પ્રમાણે કર્યું,

4 તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા.

5 અને એમ થયું કે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું કે, તરત તેણે પોતાના પિતા આગલા રાજાને મારી નાખનાર તેના ચાકરોને મારી નાખ્યા.

6 પણ મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. તે [પુસ્તક] માં યહોવાએ આજ્ઞા કરી હતી, “છોકરાંને લીધે પિતાઓ માર્યા ન જાય, તેમ જ પિતાઓને લીધે છોકરાં માર્યા ન જાય; પણ દરેક જણ પોતાના જ પાપને લીધે માર્યો જાય.”

7 તેણે દશ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. અને યુદ્ધ કરીને તેણે સેલા જીતી લીધું, ને તેનું નામ યોકતેલ પાડ્યું, તે આજ સુધી છે.

8 તે સમયે અમાસ્યાએ ઇઝરાયલના રાજા યેહૂના દીકરા યહોઆહાઝના દીકરા યોઆશ પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “આવ, આપણે સામસામા આવીને લડીએ.”

9 અને ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે માણસો મોકલીને કહાવ્યું, “લબાનોન પરના ઉટકંટાએ લબાનોન પરના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, ‘તારી દીકરીને મારા દીકરા સાથે પરણાવ.’ એવામાં લબાનોનૂં એક જંગલી જનાવર ત્યાં થઈને જતું હતું, તેણે તે ઉટકંટાને ખૂંદી નાખ્યો.

10 તેં અદોમને માર્યો છે એ તો ખરું, એથી તને ગર્વ ચઢ્યો છે. તારો ગર્વ તારી પાસે રાખીને તું તારે ઘેર જ રહે; તું શા માટે પોતાને માથે પીડા વહોરી લે છે, ને તું પોતે તથા તારી સાથે યહૂદિયા પણ શા માટે નાશ પામો?”

11 પણ અમાસ્યાએ માન્યું નહિ. તેથી ઇઝરાયલનો રાજા યોઆશ સામે ગયો; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાને સામસામા મળ્યા.

12 અને યહૂદિયાના માણસો ઇઝરાયલથી હારી ગયા; અને તેઓ પોતપોતાના ઘેર નાસી ગયા.

13 ઇઝરાયલનો રાજા યોઆશ બેથ-શેમેશમાં અહાઝ્યાના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને પકડીને યરુશાલેમમાં લાવ્યો. અને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તેણે તોડી પાડ્યો.

14 વળી બધું સોનુંરૂપું, ને યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા જમીનોને લઈને તે સમરુનમાં પાછો ગયો.

15 હવે યોઆશે કરેલાં બાકીનાં કૃત્યો, તેનું પરાક્રમ, તથા યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું, તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

16 યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને સમરુનમાં ઇઝરાયલના રાજાઓની સાથે દાટવામાં આવ્યો. તેના દીકરા યરોબામે તેની જગાએ રાજ કર્યું.


યહૂદિયાના રાજા અમાસ્યાનું મૃત્યુ
( ૨ કાળ. ૨૫:૨૫-૨૮ )

17 યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા ઇઝરયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી પંદર વર્ષ જીવ્યો.,

18 હવે અમાસ્યાનાં બાકીના કૃત્યો યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતનાં પુસ્તકમાં લખેલાં નથી શું?

19 અને યરુશાલેમમાં લોકોએ તેની સામે બંડ કર્યું, તેથી તે લાખીશ નાસી ગયો; પણ તેઓએ તેની પાછળ લાખીશમાં માણસો મોકલીને ત્યાં તેને મારી નાખ્યો.

20 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, અને તેના પિતૃઓ સાથે તેને યરુશાલેમમાં, દાઉદનગરમાં દાટવામાં આવ્યો.

21 અને અઝાર્યા જે સોળ વરસનો હતો તેને લઈને યહૂદિયાના સર્વ લોકે તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો.

22 તેણે, રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ત્યાર પછી, એલાથ બાંધીને તે ફરી યહૂદિયાને સ્વાધીન કર્યું.


ઇઝરાયલના રાજા યરોબામનો રાજ્યકાળ

23 યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમે વર્ષે ઇઝરાયલના રાજા યોઆશનો દીકરો યરોબામ સમરુનમાં રાજ કરવા લાગ્યો. તેણે એકતાળીસ વર્ષ રાજ કર્યું.

24 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં સર્વ પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહિ.

25 ઇઝરાયલના ઈશ્વર યહોવા પોતાના સેવક ગાથ-હેફેરના અમિત્તાયના દીકરા યૂના પ્રબોધક મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે ઇઝરાયલની સીમા હમાથના નાકાથી તે અરાબાના સમુદ્ર સુધી પાછી કબજે કરી.

26 કેમ કે ઇઝરાયલને અતિશય દુ:ખ છે એમ યહોવાએ જોયું હતું. બંદીવાન તેમ જ છૂટો કોઈ નહોતો.

27 પણ ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખવાની ઈશ્વરની ઈચ્છા નહોતી, એટલે યહોવાએ તેઓને યોઆશના દીકરા યરોબામ મારફતે બચાવ્યા.

28 હવે યરોબામનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, ને દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાનાં હતાં તે કેવી રીતે તેણે ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં, એ સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

29 અને યરોબામ પોતાના પિતૃઓ સાથે, એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો. અને તેના દીકરા ઝખાર્યાએ તેની જગાએ રાજ કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan