Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયાનો રાજા યોઆશ

1 યેહૂને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો. તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું, તે બેરશેબાની હતી.

2 યહોયાદા યાજક તેને બોધ કરતો હતો તે સર્વ દિવસો પર્યંત યોઆશે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

3 તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ; લોકો હજી ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા હતા તથા ધૂપ બાળતા હતા.

4 યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,

5 તે યાજકો પોતપોતાના લાગતાવળગતા પાસેથી લે, અને જ્યાં કહીં મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે.”

6 પણ યોઆશ રાજાના ત્રેવીસમાં વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગતૂટ સમારી નહોતી.

7 ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજકને તથા [બીજા] યાજકોને બોલાવીને તેમને કહ્યું, “તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો [હવે પછી] તમારા લાગતાવળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહિ, પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો.”

8 યાજકોએ કબૂલ કર્યું, “ [હવે પછી] અમે લોકો પાસેથી પૈસા નહિ લઈએ, તેમ મંદિરની ભાંગતૂટ પણ નહિ સમારીએ.”

9 પણ યહોયાદા યાજકે એક પેટી લઈને તેને ઢાંકણામાં છેદ પાડીને તેને યહોવાના મંદિરમાં પેસતાં જમણી બાજુએ વેદી પાસે મૂકી; અને દરવાજાની ચોકી કરનાર યાજકો, જે સર્વ પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા, તે તેમાં નાખતા.

10 અને તેઓને માલૂમ પડ્યું કે, પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે, ત્યારે એમ થયું કે, રાજાના ચિટનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી.

11 તે તોળેલા પૈસા તેઓએ કામ કરનારાઓના હાથમાં [એટલે] યહોવાના મંદિર પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા.તેઓએ તે યહોવાનું મંદિર [સમારવાનું] કામ કરનારા સુતારોને, કડિયાઓને,

12 સલાટોને, તથા પથ્થર ટાંકનારાઓને આપ્યા, ને યહોવાના મંદિરની ભાંગતૂટ સમારવા લાકડાં તથા ટાંકેલા પથ્થર ખરીદ કરવા માટે, મંદિરની મરામત પેટે જે સર્વ ખરચ થયો હોય તેને માટે ગણી આપ્યા.

13 પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને માટે રૂપાના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં, સોનાનાં કોઈ પાત્રો કે રૂપાનાં પાત્રો બનાવવામાં આવ્યાં ન હતાં;

14 કેમ કે તેઓ તે પૈસા તો કામ કરનારાઓને આપીને તે વડે યહોવાનું મંદિર સમારતા.

15 વળી જેમનાં હાથમાં તેઓ કામ કરનારાઓને આપવા માટે પૈસા સોંપતો તેમની પાસેથી તેઓ હિસાબ પણ લેતા નહિ. કેમ કે તેઓ પ્રામાણિકપણે વર્તતા હતા.

16 દોષનિવારણાર્થે તથા પાપનિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. તે તો યાજકોના હતા.

17 તે સમયે અરામના રાજા હઝાએલે ચઢાઈ કરીને ગાથ સામે યુદ્ધ કર્યું, ને તે સર કર્યું. પછી હઝાએલ યરુશાલેમ પર ચઢાઈ કરવાને તે તરફ વળ્યો.

18 એથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે, તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમ જ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યા; એટલે તે યરુશાલેમથી જતો રહ્યો.

19 હવે યોઆશના બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

20 અને તેના ચાકરોએ ઊઠીને કાવતરું કર્યું, ને યોઆશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો.

21 કેમ કે શિમાથના દીકરા યોઝાખારે તથા શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો, ને તે મરણ પામ્યો. અને તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદના નગરમાં દાટ્યો; અને તેના દીકરા અમાસ્યાએ તેની જગાએ રાજ કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan