Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયાની રાણી અથાલ્યા
( ૨ કાળ. ૨૨:૧૦—૨૩:૧૫ )

1 હવે અહાઝ્યાની મા અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને આખા રાજવંશનો નાશ કર્યો.

2 પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બહેન યહોશેબાએ અહાઝ્યાના દીકરા યોઆશને, રાજાના જે પુત્રો માર્યા ગયા હતા, તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં [સંતાડી રાખ્યા]. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહિ.

3 તે તેની [દાસીની] સાથે છ વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાઈ રહ્યો. [તે વખતે] અથાલ્યા દેશ પર રાજ કરતી હતી.

4 સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો.

5 તેણે તેમને આજ્ઞા કરી, “જે કામ તમારે કરવાનું છે, તે આ છે: એટલે તમે જે સાબ્બાથે અંદર આવો, તેમાંના ત્રીજા ભાગના મહેલની ચોકી કરે;

6 ત્રીજો ભાગ સૂરને દરવાજે રહે; અને ત્રીજો ભાગ રક્ષક સિપાઈઓની પાછળ દરવાજે રહે; એમ તમે આડભીંતરૂપ થઈને મંદિરની ચોકી કરજો.

7 સાબ્બાથે બહાર જનાર તમ સર્વની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાના મંદિરની ચોકી કરે.

8 દરેક માણસ પોતાનાં હથિયાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઘેરાઈને ઊભા રહે. જે કોઈ તમારી હારની અંદર દાખલ થાય તેને મારી નાખવો; અને રાજા બહાર જાય ત્યારે ને તે અંદર આવે ત્યારે, તમારે તેની સાથે જ રહેવું.”

9 યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વ પ્રમાણે શતાધિપતિઓએ કર્યુ, અને તેઓ દરેક સાબ્બાથે અંદર આવનારા તથા તથા સાબ્બાથે બહાર જનારા પોતાના તાબાના સર્વ માણસોને લઈને યહોયાદા યાજક પાસે આવ્યા.

10 દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાના મંદિરમાં હતાં તે યાજકે શતાધિપતીઓને આપ્યાં.

11 રક્ષક સિપાઈઓ પોતપોતાનાં શસ્ત્રો પોતાના હાથમાં લઈને મંદિરની જમણી બાજુથી તે મંદિરની ડાબી બાજુ સુધી, વેદી તથા મંદિર આગળ રાજા પાસે આસપાસ ઊભા રહ્યા.

12 પછી તેણે રાજકુમારને બહાર લાવીને તેને માથે મુગટ મૂક્યો તથા સાક્ષ્યશાસ્ત્ર [તેને આપ્યું]. પછી તેઓએ તેને રાજા ઠરાવીને તેનો અભિષેક કર્યો. અને તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “ઈશ્વર રાજાની રક્ષા કરો.”

13 અથાલ્યાએ સિપાઈઓનો તથા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાના મંદિરમાં આવી.

14 તેણે જોયું તો, જુઓ રિવાજ પ્રમાણે રાજા બાજઠ પર ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડા [વગાડનારા] રાજાની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સવ કરતા હતા, ને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાના વસ્ત્ર ફાડીને બૂમ પાડી, “વિદ્રોહ! વિદ્રોહ!”

15 યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને તેમને કહ્યું, “તેને બહાર કાઢીને સિપાઈઓની હારોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તરવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાના મંદિરમાં મારી નાખવી નહિ.”

16 માટે તેઓએ તેને માર્ગ આપ્યો. અને ઘોડાના અંદર આવવાને રસ્તે થઈને તે રાજા મહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.


યહોયાદા રાજાની ધર્મસુધારણાઓ

17 યહોયાદાએ યહોવાની અને રાજા તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાના લોક થવું; વળી રાજા તથા લોકોની વચ્ચે પણ [તેણે કરાર કર્યો].

18 પછી દેશના સર્વ લોક બાલના મંદિરમાં ગયા, ને તે ભાંગી નાખ્યું. તેઓએ તેની વેદીઓના તથા તેની મૂર્તિઓના છેક ચૂરેચૂરા કરી નાખ્યા, ને બાલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. અને યાજકે યહોવાના મંદિર પર કારભારીઓ નીમ્યા.

19 તેણે શતાધિપતિઓને, કારીઓને, રક્ષક સિપાઇઓને તથા દેશના સર્વ લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાના મંદિરમાંથી લઈને પહેરાના દરાવાજાને માર્ગે રાજાના મહેલમાં આવ્યા. અને તે રાજાઓની ગાદીએ બેઠો.

20 તેથી દેશના સર્વ લોક હરખાયા, ને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજાના મહેલ પાસે તરવારથી મારી નાખી.

21 યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તે સાત વર્ષનો હતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan