Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


આહાબના રાજપુત્રોનો નાશ

1 હવે આહાબના સિત્તેર દીકરા સમરુનમાં હતા. અને યેહૂએ પત્રો લખ્યા, ને સમરુનમાં યિઝ્‍એલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબ [ના પુત્રો] ની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું,

2 “હવે તમારા ધણીના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે; માટે આ પત્ર તમને પહોંચતાંની સાથે જ

3 તમારા ધણીના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યાસન પર બેસાડીને તમારા ધણીના ઘરને માટે યુદ્ધ કરજો.”

4 પણ તેઓએ અતિશય ભયભીત થઈને કહ્યુ, ”જુઓ, બે રાજાઓ યેહૂ સામે ટકી ન શક્યા, તો આપણે કેમ કરી ટકી શકીશું?”

5 આથી [રાજાના] ઘરના કારભારીએ તથા નગરના કોટવાલે, વડીલોએ તથા [પુત્ર] રક્ષકોએ યેહૂ પાસે માણસો મોકલીને કહાવ્યું, “અમે તમારા દાસ છીએ, તમે જે કંઈ અમને કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા નહિ ઠરાવીએ. તમારી ર્દષ્ટિમાં જે સારું લાગે તે કરો.”

6 પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા.

7 તેઓએ તે પત્ર પહોંચ્યો ત્યારે એમ થયું કે, તેઓએ તે રાજપુત્રોને પકડીને તેઓને, એટલે સિત્તેર પુરુષોને, મારી નાખ્યા, ને તેમના માથાં ટોપલીઓમાં નાખીને તે યેહૂની પાસે યિઝ્‍એલ મોક્લ્યાં.

8 એક સંદેશિયાએ આવીને તેને ખબર આપી, “તેઓ રાજપુત્રોનાં માથાં લાવ્યા છે. “યેહૂએ કહ્યું, “દરવાજાના નાકા આગળ તેમના બે ઢગલા કરી સવાર સુધી ત્યાં રાખી મૂકો.”

9 સવારમાં એમ થયું કે, તે બહાર નીકળ્યો, ને ઊભા રહીને બધા લોકને તેણે કહ્યું, “તમે ન્યાયી છો. જુઓ, મેં તો મારા ધણીની સામે બંડ કરીને તેને મારી નાખ્યો. પણ આ સર્વને કોણે મારી નાખ્યા?

10 માટે હવે તમારે જાણવું કે, યહોવા આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એકે વચન અફળ જનાર નથી; કેમ કે યહોવા પોતાના સેવક એલિયા મારફતે જે બોલ્યા હતા, તે તેમણે પૂરું કર્યું છે.”

11 યેહુએ યિઝ્‍એલમાં આહાબના ઘરનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને, તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા.


અહાઝ્યાનાં કુટુંબીઓનો નાશ

12 પછી તે ઊઠીને ચાલ્યો ગયો, ને સમરુનમાં આવ્યો. અને યેહૂ માર્ગમાં ભરવાડોના કાતરણીના ઘર આગળ પહોંચ્યો,

13 ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝ્યાના ભાઇઓનો ભેટો થયો, ને [તેણે તેમને] પૂછયું, “તમે કોણ છો?” તેઓએ ઉત્તર આપ્યો, “અમે અહાઝ્યાના ભાઈઓ છીએ. અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને સલામ કરવા જઈએ છીએ.”

14 તેણે [પોતાના માણસોને] કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા, ને તેમને એટલે તે બેતાળીસ માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાથી કોઈને જીવતો રહેવા દીધો નહિ.


આહાબનાં બાકીનાં સગાંનો વિનાશ

15 તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.

16 યેહૂએ કહ્યું, “મારી સાથે ચાલ, ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો.” એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો.

17 સનરુનમાં આવીને યેહૂએ સમરુનમાં આહાબના બધા બાકી રહેલાને મારી નાખ્યા, જ્યાં સુધી કે જે વચન યહોવાએ એલિયાને કહ્યું હતું, તે પ્રમાણે તેણે તેનો નાશ કર્યો.


બાલના ઉપાસકોનો વિનાશ

18 ત્યાર પછી યેહૂએ સર્વ લોકોને એકત્ર કરીને તેમને કહ્યું, “આહાબે તો બાલની સેવા થોડી કરી હતી; પણ યેહૂ તો તેની સેવા વધારે કરશે.

19 માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે; કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ [કરવાનો] છે.જે કોઇ રહી જશે, તે જીવતો રહેવા પામશે નહિ.” પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યેહૂએ પક્કાઈથી કર્યું હતું.

20 યેહૂએ કહ્યું, “બાલને માટે એક પવિત્ર મેળો ઠરાવો. અને તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.

21 અને યેહૂએ આખા ઇઝરાયલમાં સંદેશિયા મોકલ્યા. અને બાલના સર્વ સેવકો આવ્યા, કોઈ પણ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બાલના મંદિરમાં આવ્યા; અને બાલનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું હતું.

22 વસ્ત્રની ઓરડીની સંભાળ રાખનારને તેણે કહ્યું, “બાલના સર્વ સેવકોને માટે વસ્ત્રો કાઢી લાવ.” એટલે તે તેઓને વસ્ત્રો કાઢી લાવ્યો.

23 અને યેહૂ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના સેવકોને કહ્યું, “બરાબર તપાસ કરીને જુઓ કે, અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ ફક્ત બાલના જ સેવકો હોય.”

24 પછી તેઓ યજ્ઞો તથા દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ પોતા તરફથી એંશી માણસોને બહાર રાખ્યા હતા, ને [તેઓને] કહ્યું હતું, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંથી જો કોઈ નાસી જશે તો તે [જવા દેનાર] નો જીવ તેના જીવને બદલે જશે.”

25 યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો; કોઈને બહાર નીકળવા દેશો નહિ.” અને તેઓએ તેમને તરવારની ધારથી માર્યા, આને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાલના મંદિરના છેક ગર્ભાગારમાં ગયા.

26 તેઓએ બાલના મંદિરમાંની અશેરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી.

27 તેઓએ બાલના સ્તંભને તોડી પાડ્યો, ને બાલના મંદિરને જમિનદોસ્ત કરીને તેને સંડાસ બનાવ્યું, તે આજ સુધી છે.

28 આ પ્રમાણે યેહૂએ ઇઝરાયલમાંથી બાલનો નાશ કર્યો.

29 તોપણ નબાટનો દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે પાપ કરાવતો હતો તેનું અનુકરણ કરવાથી, એટલે બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડા [ની પૂજા] યેહૂએ ચાલુ રાખી.

30 અને યેહૂને યહોવાએ કહ્યું, “મારી ર્દષ્ટિમાં જે સારું છે તે તેં કર્યું, [ને] જે બધું મારા અંત:કરણમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબનું નિકંદન તેં કર્યું તે તેં સારું કર્યું છે, તેથી તારી ચોથી પેઢી સુધીના તારા પુત્રો ઇઝરાયલની ગાદીએ બેસશે.”

31 પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં.


યેહૂનો અંત

32 તે દિવસોમાં યહોવાએ ઇઝરાયલનો નાશ કરવા માંડ્યો; અને હઝાએલે તેમને ઇઝરાયલની સર્વ સીમમાં હરાવ્યાં;

33 એટલે યર્દનથી પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદ તથા બાશાન સુધી આખા ગિલ્યાદ દેશને, ગાદીઓને, રુબેનીઓને તથા મનાશ્શીઓને હરાવ્યા.

34 હવે યેહૂનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે સર્વ કર્યું તે, તથા તેનાં તમામ પરાક્રમો, એ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

35 યેહૂ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તેઓએ તેને સમરુનમાં દાટ્યો. તેના દીકરા યહોઆહાઝે તેની જગાએ રાજ કર્યું.

36 અને યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરયલ પર રાજ કર્યું હતું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan