2 કરિંથીઓ 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સાથી વિશ્વાસીઓને માટે આર્થિક મદદ 1 હવે સંતોની સેવા બજાવવા વિષે મારે તમને લખવાની અગત્ય નથી: 2 કેમ કે તમારી ઝંખના હું જાણું છું. એ બાબત હું મકદોનિયાના લોકોની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરું છું કે, અખાયા એક વરસથી તૈયાર છે; અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે. 3 પણ આના સંબંધમાં તમારે વિષે અમારું અભિમાન વ્યર્થ ન જાય માટે મેં ભાઈઓને મોકલ્યા છે કે, જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ. 4 રખેને મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે, અને તમને નહિ તૈયાર થયેલા જુએ, તો આ ખાતરી [રાખવા] ને લીધે અમારે (તમારે તો અમે નથી કહેતા) શરમાવું પડે. 5 ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે. 6 પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી. 7 જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. 8 વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો. 9 લખેલું છે, “તેમણે વેર્યું છે, તેમણે દરિદ્રીઓને આપ્યું છે; તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.” 10 હવે જે વાવનારને માટે બી તથા ખોરાકને માટે રોટલી પૂરાં પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયીપણાનાં ફળની વૃદ્ધિ કરશે. 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા બતાવો કે, જેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. 12 કેમ કે એ સેવા બજાવ્યાથી માત્ર સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહિ, પરંતુ ઈશ્વરની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે; 13 એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે, અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સર્વને માટે તમે પુષ્કળ દાન આપ્યાં છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે. 14 તમારા પર ઈશ્વરની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે. 15 ઈશ્ચરના અનિર્વાચ્ય દાનને માટે તેમની સ્તુતિ થાઓ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India