Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ખ્રિસ્તી દાનધર્મ

1 વળી, ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા અમે તમને જણાવીએ છીએ કે,

2 વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ.

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, યથાશક્તિ, બલકે શક્તિ ઉપરાંત પણ, તેઓએ પોતાની ખુશીથી [આપ્યું].

4 તેઓએ [પોતાની] આ [ઉદારતારૂપી] કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી.

5 અને તે વળી જેમ અમે આશા રાખી હતી, એમ નહિ, પણ તેઓએ પ્રથમ પ્રભુને, અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા.

6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ [ઉદારતાની] કૃપા પણ સંપૂર્ણ કરે.

7 પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઝંખનામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં, વધ્યા, તેમ જ આ [ઉદારતાની] કૃપામાં પણ વધો.

8 હું આજ્ઞાની રૂએ નહિ, પણ બીજાઓની ઝંખનાને ધોરણે તમારા પ્રેમનું પારખું કરવાને આ કહું છું.

9 કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.

10 વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.

11 પણ હવે એ કામ પૂરું કરો. જેથી જે પ્રમાણે તીવ્ર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ એ પરિપૂર્ણ કરો.

12 કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.

13 બીજાઓને આરામ થાય, અને તમને સંકટ થાય એમ નહિ,

14 પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે, તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય.

15 જેમ લખેલું છે તેમ, “જેની પાસે ઘણું હતું તેને વધી પડયું નહિ. અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડયું નહિ.”


તિતસ અને તેના સાથીદારો

16 પણ ઈશ્વરની સ્તુતિ થાઓ કે, જેમણે તિતસના હ્રદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્‍ન કરી.

17 કેમ કે તેણે અલબત અમારી વિનંતી માની; પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો.

18 વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે, સુવાર્તા વિષે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે,

19 એટલું જ નહિ, પણ તે [ભાઈ] ની નિમણૂક મંડળીઓએ કરી છે, જેથી આ [ઉદારતાની] કૃપા [ના સંબંધમાં] , જેના અમારી ઉત્કંઠા [દર્શાવવાને] પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ, તેના સંબંધમાં તે અમારી સાથે ફરે.

20 આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ.

21 માત્ર પ્રભુની જ નજરમાં નહિ, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે, તે વિષે કાળજી રાખીએ છીએ.

22 તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, ઘણી બાબતોમાં ઘણી વાર અમે એની કસોટી કરી છે, અને તે અમને ઉદ્યોગી માલૂમ પડયો છે, પણ તમારા પર [તેનો] ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલૂમ પડયો છે.

23 વળી તિતસ વિષે [કોઈ પૂછે તો] તે તો મારો સોબતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે; અને અમારા ભાઈઓ વિષે [કોઈ પૂછે તો] તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે.

24 એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan