2 કરિંથીઓ 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. પાઉલનો આનંદ 2 અમારો અંગીકાર કરો, અમે કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડયું નથી, કોઈને છેતર્યો નથી. 3 હું [તમને] દોષિત ઠરાવવાને બોલતો નથી, કેમ કે મેં અગાઉ કહ્યું છે કે, તમે અમારાં હ્રદયોમાં એવા વસ્યા છો કે [આપણે] સાથે મરવાને તેમ જીવવાને પણ તૈયાર છીએ. 4 તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં મારું અંત:કરણ આનંદથી ઊભરાઈ જાય છે. 5 કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચારેબાજુથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી. 6 પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો. 7 અને માત્ર તેના આવ્યાથી નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ. વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઝંખના, એની ખબર પણ અમને આપી; તેથી મને વિશેષ આનંદ થયો. 8 વળી, જો કે મેં મારા પત્રથી તમને ખિન્ન કર્યા, અને તેથી, જો કે મને પસ્તાવો થતો હતો, તોપણ હવે મને પસ્તાવો થતો નથી; કેમ કે હું જાઉં છું કે તે પત્રે તમને થોડી વાર સુધી ખિન્ન કર્યા ખરા. 9 પણ હવે મને આનંદ થાય છે, તમે ખેદ પામ્યા તેને માટે નહિ, પણ તમને ખેદ થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખિન્ન કરવામાં આવ્યા કે, અમારાથી તમને કંઈ નુકસાન ન થાય. 10 કેમ કે ઈશ્વરથી ઇચ્છા પ્રમાણે થતો ખેદ, શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે; પણ સાંસારિક ખેદ મરણસાધક છે. 11 કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની [તમારી] કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા. 12 વળી, જો કે મેં તમને લખ્યું ખરું, તોપણ જેણે અન્યાય કર્યો તેને માટે નહિ, અને જેના પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ અમારે વિષે તમારી જે લાગણી છે તે તમને પ્રગટ થાય એ માટે લખ્યું, 13 એથી અમને દિલાસો મળ્યો છે. અને અમારા દિલાસા ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વળી અધિક આનંદ પામ્યા કેમ કે તમો સર્વથી તેનો આત્મા વિસામો પામ્યો છે. 14 માટે જો મેં તમારે વિષે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય, તો તેથી હું શરમાતો નથી. પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી, તેમ જે અભિમાન અમે તિતસની આગળ કર્યું તે અમારું [અભિમાન] સાચું પડયું. 15 વળી તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા સર્વના આજ્ઞાંકિતપણાનું તેને સ્મરણ હોવાથી તેની મમતા તમારા પર પુષ્કળ છે. 16 સર્વ વાતે તમારે વિષે મને પૂરો ભરોસો છે, તેથી હું આનંદ પામું છું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India