2 કરિંથીઓ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)માટીનાં પાત્રોમાં આત્મિક ખજાનો 1 તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી. 2 પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ. 3 પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય, તો તે નાશ પામનારાઓને માટે ઢંકાયેલી છે. 4 તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય. 5 કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.] 6 કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. 7 પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે]. 8 ચોતરફથી [અમારા પર] દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી. 9 સતાવણી પામ્યા છતાં તજાયેલાં નથી. નીચે પટકાયેલા છતાં નાશ પામેલાં નથી. 10 [અમારા] શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. 11 કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્યદેહમાં પ્રગટ કરવામાં આવે. 12 તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે. 13 પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી (“મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો” એ લેખ પ્રમાણે) અમને પણ વિશ્વાસ છે, અને તેથી અમે બોલીએ છીએ; 14 અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે. 15 કેમ કે સઘળાં વાનાં તમારે માટે છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરના મહિમાને અર્થે વિશેષ આભારસ્તુતિ કરાવે. વિશ્વાસદ્વારા જીવવું 16 એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે; 18 કેમ કે જે વસ્તુઓ દશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદશ્ય છે તે સદાકાલિક છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India