Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે, હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહિ આવું.

2 કેમ કે જો હું તમને ખેદિત કરું, તો જે મારાથી ખેદિત થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે?

3 અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.

4 કેમ કે ઘણી વિપત્તિથી તથા અંત:કરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારો જે અતિશય પ્રેમ છે તે તમે જાણો તે માટે [લખ્યું].


પતિતને ક્ષમા કરો

5 પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે.

6 એવા માણસને બહુમતીથી આ શિક્ષા [કરવામાં આવેલી] છે, તે બસ છે;

7 ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.

8 એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.

9 કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે, તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહિ તે વિષે હું તમારી પરીક્ષા કરું.

10 પણ જેને તમે કંઈ પણ માફ કરો છો, તેને હું પણ [માફ કરું છું] ; કેમ કે જો મેં પણ કંઈ પણ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે

11 કે, જેથી શેતાન આપણા પર જરાયે ફાવી ન જાય; કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.


ત્રોઆસમાં પાઉલની ચિંતા

12 હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.

13 તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.


ખ્રિસ્ત દ્વારા વિજય

14 પણ ઈશ્વર, જે સદા અમને ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન કરીને દોરી જાય છે, અને અમારી મારફતે પોતાના જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેમની સ્તુતિ થાઓ.

15 કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.

16 પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?

17 કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan