Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાઉલનાં સંદર્શનો અને પ્રકટીકરણ

1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુનાં દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.

2 ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો તે હું જાણતો નથી કે, શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી; ઈશ્વર જાણે છે) કે, જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.

3 અને એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી; ઈશ્વર જાણે છે)

4 કે, તેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.

5 એવાને લીધે હું અભિમાન કરીશ; પણ મારે પોતાને વિષે હું અભિમાન કરીશ નહિ, કેવળ મારી દુર્બળતા વિષે કરીશ.

6 કેમ કે જો હું અભિમાન કરવાની ઇચ્છા રાખું, તો હું મૂર્ખ ઠરું નહિ; કેમ કે હું સાચું બોલું છું; પણ કોઈ પણ માણસ મને જેવો જુએ, અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું.

7 વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.

8 તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી.

9 અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.

10 એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા] , તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.


કરિંથીઓ માટે પાઉલની કાળજી

11 હું [અભિમાન કરીને] મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.

12 ખરેખર ચિહ્નો, અદભૂત કૃત્યો તથા પરાક્રમી કામો વડે તમારી આગળ પ્રેરિતનાં લક્ષણો પૂરી ધીરજથી દર્શાવવામાં આવ્યાં હતાં.

13 કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તેમ બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો.

14 જુઓ, હું આ ત્રીજીવાર તમારી પાસે આવવાને તૈયાર છું; અને તમને ભારરૂપ નહિ થઈશ; કેમ કે હું તો તમારું [દ્રવ્ય] નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. કેમ કે છોકરાંએ માબાપને માટે સંગ્રહ કરવો ઘટતો નથી, પણ માબાપે છોકરાંને માટે સંગ્રહ કરવો.

15 પણ હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી [મારું સર્વસ્વ] ખર્ચીશ તથા હું જાતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું, તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?

16 પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્‍યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા.

17 શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા, તેઓમાંના કોઈની મારફતે મેં તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો છે?

18 મેં તિતસને વિનંતી કરી, અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા [ની પ્રેરણા] પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?

19 આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ. પણ, વહાલાઓ, ખ્રિસ્તમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્‍નતિને માટે જ છે.

20 કેમ કે મને ભય લાગે છે રખેને હું આવું ત્યારે, જેવા તમને જોવાની હું ઇચ્છા રાખું છું, તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ, રખેને ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ થાય.

21 રખેને હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે; અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે, અને જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan