2 કરિંથીઓ 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પાઉલ અને જૂઠા પ્રેરિતો 1 મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો. 2 કેમ કે [જાણે] ઐશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. 3 પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય. 4 કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે! 5 કેમ કે એ સહુથી ઉત્તમ પ્રેરિતો કરતાં હું પોતાને કોઈપણ પ્રકારે ઊતરતો ગણતો નથી. 6 પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી. બલકે [તે બાબત] સર્વ પ્રકારે અમે તમારા પ્રત્યે બધાની આગળ પ્રગટ કરી બતાવી છે. 7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે તમને અમે ઈશ્વરની સુવાર્તા મફત પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું? 8 તમારી સેવા બજાવવા માટે મેં બીજી મંડળીઓને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં. 9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ. 10 મારામાં જે ખ્રિસ્તની સત્યતા છે તેના સમ [ખાઈને કહું છું] કે અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને અટકાવી શકશે નહિ. 11 શા માટે? શું હું તમારા પર પ્રેમ રાખતો નથી તે માટે? ઈશ્વર જાણે છે. 12 પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ કે, જે બાબતમાં તેઓ અભિમાન કરે છે, તે બાબતમાં તેઓ અમારા જેવા જ જણાય. 13 કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. 14 અને એમાં કંઈ આશ્વર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. 15 તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓનાં કામ પ્રમાણે તેઓનો અંત થશે. પ્રેરિત તરીકે પાઉલનાં દુ:ખો 16 હું ફરીથી કહું છું કે, કોઈએ મને મૂર્ખ ન ધારવો. પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડુંએક અભિમાન કરું. 17 જે હું કહું છું, તે પ્રભુથી નથી કહેતો, પણ આ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી હું બોલું છું. 18 સાંસારિક કારણોને લીધે ઘણા અભિમાન કરે છે, માટે હું પણ અભિમાન કરીશ. 19 કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તેથી તમે ખુશીથી મૂર્ખોનું સહન કરતા હશો. 20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું [સર્વસ્વ] ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો મનાવે, જો કોઈ તમને મોં પર મારે, તો તમે તેનું સહન કરો છો. 21 જાણે કે અમે નિર્બળ હોઈએ, એમ પોતાને વખોડનાર તરીકે હું આ બોલું છું. પણ જે કોઈ પણ બાબતમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું (આ તો હું મૂર્ખતાથી બોલું છું). 22 શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના સંતાન છે? તો હું પણ છું. 23 શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 24 પાંચવાર મેં યહૂદીઓ તરફથી ઓગણ ઓગણચાળીશ ફટકા ખાધા. 25 ત્રણ વાર મેં સોટીઓનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું સમુદ્રમાં પડી રહ્યો હતો. 26 ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં; 27 શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાઢ તથા વસ્ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું. 28 આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિષેની ચિંતા. 29 કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકર ખવડાવવામાં આવે છે, અને મારું હ્રદય બળતું નથી? 30 જો અભિમાન કરવાની જરૂર પડે, તો જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ. 31 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. 32 દમસ્કી અરિતાસ રાજાનો સૂબો મને પકડવા માટે દમસ્કીઓના શહેર પર ચોકી બેસાડી રાખતો. 33 પણ મને ટોપલામાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી ઉતારી મૂકવામાં આવ્યો, અને એ પ્રમાણે હું તેના હાથમાંથી બચી ગયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India