Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમ ઉપર આશૂરનું આક્રમણ
( ૨ રા. ૧૮:૧૩-૩૭ ; ૧૯:૧૪-૧૯ , ૩૫-૩૭ ; યશા. ૩૬:૧-૨૨ ; ૩૭:૮-૩૮ )

1 આ બિનાઓ બન્યા પછી અને આવી પ્રામાણિક વર્તણૂક ચલાવ્યા પછી આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરીને કિલ્લાવાળાં નગરોની સામે છાવણી નાખી, ને તે તેઓને જીતી લેવાનું ધારતો હતો.

2 હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, ને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર હુમલો કરવાનો છે,

3 ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતાં તેમનું પાની બંધ કરી દેવા વિષે તેણે પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી કે, આશૂરના રાજાઓને ઘણું પાણી મળે.એવું શા માટે હોવું જોઈએ?

4 તેથી ત્યાં ઘણા લોક એકત્ર થયા, ને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. એ કામમાં તેઓએ તેને મદદ આપી.

5 વળી તેણે હિમ્મત રાખીને ભાંગી ગયેલો કોટ ફરીથી બાંધ્યો, ને દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું; અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.

6 વળી તેણે લશ્કરી અમલદારોને લોકો ઉપર નીમીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમામ પોતાની હજૂરમાં એકત્ર કર્યા; અને તેઓને ઉત્તેજન આપતાં કહ્યું,

7 “બળવાન તથા હિમ્મતવાન થાઓ, આશૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ ગભરાશો પણ નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે.

8 તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.” યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.

9 ત્યાર પછી આશૂરના રાજા સાન્હેરીબે (તે તો પોતાના સર્વ બળવાન સૈન્‍ય સાથે લાખીશથી સામે પડેલો હતો) તેના કેટલાક સરદારોને યરુશાલેમમાં યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે તથા યરુશાલેમમાં રહેનારા યહૂદિયાના સર્વ લોકોની પાસે મોકલીને કહાવ્યું,

10 “આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે શા ઉપર ભરોસો રાખીને યરુશાલેમનો ઘેરો વેઠી રહો છો?

11 તમારો ઈશ્વર યહોવા તમને આશૂરના રાજાના હાથમાંથી બચાવશે, એમ હિઝકિયા તમને કહે છે, તે તમને દુકાળથી તથા તરસથી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી?

12 શું એ જ હિઝકિયાએ તેનાં ઉચ્ચસ્થાનો તથા તેની વેદીઓ કાઢી નાખીને યહૂદિયાને તથા યરુશાલેમને આજ્ઞા નથી કરી કે તમારે એક જ વેદી આગળ ભજન કરવું તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો?

13 મેં તથા મારા પિતૃઓએ દેશોના સર્વ લોકોના શા હાલ કર્યા છે, એ શું તમે જાણતા નથી? શું દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી કોઈ પણ રીતે છોડાવી શક્યા છે?

14 જે પ્રજાઓનો વિનાશ મારા પિતૃઓએ કર્યો, તેઓના સર્વ દેવોમાં એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શક્યો હોય કે, તમારો ઈશ્વર તમને મારા હાથમાંથી છોડાવી શકશે?

15 માટે હવે હિઝકિયાથી તમે છેતરાશો નહિ, તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવે, તેમ જ તમારે પણ તેના પર ભરોસો ન રાખવો; કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી; તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારા ઈશ્વર કેટલાક શક્તિમાન નીવડશે?’”

16 તેના સરદારો પણ ઈશ્વર યહોવાની વિરુદ્ધ તથા તેમના સેવક હિઝકિયાની વિરુદ્ધ તેથી પણ વધારે બોલ્યઅ.

17 વળી તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાની નિંદા કરીને તથા તેમની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા, “જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી, તેમ હિઝકિયાનો ઈશ્વર પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.”

18 યરુશાલેમના જે લોક કોટ ઉપર ઉભેલા હતા તેઓ બીકથી ગભરાઈ જાય, અને પોતે નગર સર કરી શકે, માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બરાડા પાડીને બોલ્યા.

19 જગતના લોકના દેવો જેઓ માણસના હાથથી બનેલા છે તેઓમાંનો એક યરુશાલેમનો ઈશ્વર પણ છે એમ તેઓ બોલ્યા.

20 આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતાં આકાશ તરફ [ઊંચું જોઈને] વિનંતી કરી.

21 ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો, તેણે આશૂરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો; તેથી તેને વીલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો.

22 આ પ્રમાણે યહોવાએ હિઝકિયાને તથા યરુશાલેમનાં રહેવાસીઓને આશૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા બીજા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે તરફ તેઓનું રક્ષણ કર્યુ.

23 ઘણા લોકો યરુશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદિયાના રાજા હિઝકિયાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.


હિઝકિયાની માંદગી
( ૨ રા. ૨૦:૧-૩ , ૧૨-૧૯ )

24 તે પછી હિઝકિયા મરણતોલ માંદો પડ્યો, ત્યારે તેણે યહોવાની પ્રાર્થના કરી. તેના જવાબમાં તેને એક ચિહ્‍ન આપવામાં આવ્યું.

25 છતાં હિઝકિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહિ; તે ઉન્મત્ત બની ગયો, તેથી તેના પર તેમ જ યહૂદિયા તથા યરુશાલેમ પર કોપ આવ્યો.

26 ત્યારે હિઝકિયા પોતાનું અભિમાન છોડીને છેક દીન બની ગયો, એટલે તેના પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર યહોવાનો કોપ હિઝકિયાના સમયમાં આવ્યો નહિ.


હિઝકિયાનો વૈભવ

27 હિઝકિયાને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું, તેણે પોતાને માટે સોનુંરૂપું, મૂલ્યવાન હીરામાણેક, સુગંધીદ્રવ્યો, ઢાલો તથા સર્વ પ્રકારનાં સુંદર પાત્રો, ભરવાને માટે ભંડારો બનાવ્યા.

28 વળી અનાજ, દ્રાક્ષારસ તથા તેલને માટે કોઠારો, તથા સર્વ પ્રકારના પશુઓને માટે કોઢિયાં, તથા [ઘેટાં-બકરાંનાં] ટોળાંને માટે વાડા [બનાવ્યા].

29 વળી તેણે પોતે નગરો વસાવ્યાં, તથા ઘેટાંબકરાંની તથા બીજા ઢોરની પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને અતિશય દ્રવ્ય આપ્યું હતું.

30 એ જ હિઝકિયા ગિહોનના ઉપલા ઝરાના પાણી બંધ કરીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો; હિઝકિયા પોતાનાં સર્વ કામોમાં ફતેહ પામ્યો.

31 દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિષે તજવીજ કરવા માટે બાબિલના સરદારોને તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય, ને તેના અંત:કરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો.


હિઝકિયાના રાજ્યકાળનો અંત
( ૨ રા. ૨૦:૨૦-૨૧ )

32 હિઝકિયાનાં બાકીના કાર્યો, તથા તેના સુકૃત્યો યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં, આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલાં છે.

33 હિઝકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને દાઉદના પુત્રોના કબરસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો, યહૂદિયાના તથા યરુશાલેમનાં સર્વ રહેવાસીઓએ તેના અંતકાળે તેને માન આપ્યું, તેનો પુત્ર મનાશ્શા તેની પાછળ રાજા થયો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan