૨ કાળવૃત્તાંત 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યાર પછી સુલેમાન યરુશાલેમમાં મોરિયા પર્વત કે, જ્યાં [યહોવાએ] તેના પિતા દાઉદને દર્શન આપ્યું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો. 2 તેણે પોતાની કારકિર્દીના ચોથા વર્ષમાં બીજા મહિનાની બીજી [તારીખે] બાંધકામ શરૂ કર્યું. 3 હવે મંદિર બાંધવા માટે સુલેમાને આ પ્રમાણે પાયા નાખ્યા. તેની લંબાઈ સાઠ હાથ, તથા પહોળાઈ વીસ હાથ હતી. 4 જે ઓસરી મંદિર આગળ હતી તેની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ હતી, ને ઊંચાઈ એકસો વીસ હાથ હતી. તણે તેની અંદરના ભાગને ચોખ્ખા સોનાથી મઢી. 5 તેણે મંદિરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં જડી દીધાં, અને તેમને ચોખ્ખા સોનાથી મઢ્યાં, ને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરી. 6 તેણે શોભાને માટે મંદિરને મૂલ્યવાન જવાહિરથી શણગાર્યું. એ સોનું પાર્વાઇમથી લાવવામાં આવ્યું હતું. 7 વળી તેણે મંદિરને, મોભોને, ઊમરાઓને, તેની ભીંતોને તથા તેનાં બારણાંને સોનાથી મઢ્યાં. અને ભીંતો પર કરુબો કોતર્યા. 8 સુલેમાને પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, ને પહોળાઈ વીસ હાથ હતી. તેને તેણે છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું. 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપલા ઓરડાને પણ સોનાથી મઢ્યો. 10 તેણે પરમપવિત્રસ્થાનમાં બે કરુબોનાં પૂતળાં બનાવ્યાં. અને તેઓને ચોખ્ખા સોનાથી મઢ્યાં. 11 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી. એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી. ને તે મંદિરની ભીંત સુધી પહોંચેલી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી 12 બીજા કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, ને તે મંદિની ભીંતને અડકતી હતી. બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી. ને તે બીજા કરુબની પાંખને અડકતી હતી. 13 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. તેઓ પોતાના પગો પર ઊભા રહેલા, ને તેઓનાં મુખ અંદરની બાજુએ હતાં. 14 તેણે નીલા, જાબુંડા, કિરમજી તથા ઝીણા શણનો પડદો બનાવ્યો, ને તેના ઉપર તેણે કરુબો પાડ્યા. પિત્તળના બે સ્તંભો ( ૧ રા. ૭:૧૫-૨૨ ) 15 વળી સુલેમાને મંદિર આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે જે કળશ હતો, તે પાંચ હાથ ઊંચો હતો. 16 તેણે સાંકળો બનાવીને તેમને સ્તંભોના કળશો પર નાખી. તેણે સો દાડમ બનાવ્યાં, ને તેમને સાંકળો પર લટકાવ્યાં. 17 તેણે તે સ્તંભો મંદિર આગળ ઊભા કર્યા, એક જમણે હાથ ને બીજો ડાબે હાથે. તેણે જમણા હાથ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) ને ડાબા હાથ તરફના સ્તંભનું નામ બોઆઝ (બળ) પાડ્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India