૨ કાળવૃત્તાંત 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહૂદિયાની ગાદીએ યોથામ ( ૨ રા. ૧૫:૩૨-૩૮ ) 1 યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ યરુશા હતું. તે સાદોકની દીકરી હતી. 2 તેના પિતા ઉઝિયાએ જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પરંતું યહોવાના મંદિરમાં તે પેઠો નહિ. હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા. 3 તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો, ને ઓફેલના કોટ ઉપર તેણે પુષ્કળ બાંધકામ કર્યું. 4 તે ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં, ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યાં. 5 વળી તેણે આમ્મોનીઓના રાજાની સામે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમ્મોનીઓએ તે જ વર્ષે તેને સો તાલંત રૂપું, દશ હજાર માપ ઘઉં તથા દશ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યા આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી. 6 એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના ઈશ્વર યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો. 7 યોથામનાં બાકીનાં કૃત્યો, તેના વિગ્રહો તથા તેનાં આચરણ, એ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. 8 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. 9 યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો. તેના પુત્ર આહાઝે તેને સ્થાને રાજ કર્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India