Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયાની ગાદીએ ઉઝિયા રાજા
( ૨ રા. ૧૪:૨૧-૨૨ ; ૧૫:૧-૭ )

1 યહૂદિયાના સર્વ લોકોએ ઉઝિયા કે, જે સોળ વર્ષનો હતો, તેને તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો.

2 અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ત્યાર પછી ઉઝિયાએ એલોથ બાંધીને પાછું યહૂદિયાને સ્વાધીન કર્યું.

3 તે રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યકોલ્યા હતું, તે યરુશાલેમની હતી.

4 તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું, તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

5 ઝખાર્યા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને અબાદાની બક્ષી.

6 તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો, ને ગાથનો, યાબ્નેનો તથા આશ્દોદનો કોટ તોડી પાડ્યા. તેણે આશ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યાં.

7 ઈશ્વરે પલિસ્તીઓની, તથા જે આરબો ગૂર-બાલમાં વસતા હતા તેઓની તથા મેઉનીઓની વિરુદ્ધ તેને સહાય કરી.

8 આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો.

9 વળી ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાને દરવાજે, ખીણને દરવાજે તથા [કોટના] ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.

10 તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.

11 તે ઉપરાંત ઉઝિયાને શૂરવીર યોદ્ધાઓનું એક સૈન્ય હતું, તે યેઇયેલ ચિટનીસ તથા માસેયા કારભારીએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે, રાજાના સરદારોમાંના એકના, એટલે હાનાન્યાના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.

12 પતૃઓના કુટુંબોના સરદારોની, એટલે પરાક્રમી શુરવીરોની, કુલ સંખ્યા બે હજાર છસોની હતી.

13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા.

14 ઉઝિયાએ તેઓને માટે, એટલે આખા સૈન્યને માટે, ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણના ગોળા તૈયાર કરાવ્યા.

15 તેણે યરુશાલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરોએ યોજેલાં યંત્રો બનાવ્યાં. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ; અને તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.


ઉઝિયાનું ઉન્મતપણું અને તેની સજા

16 પણ જ્યારે તે બળવાન થયો, ત્યારે તેનું અંત:કરણ ઉન્મત થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો.

17 અઝાર્યા યાજક તથા તેની સાથે યહોવાના એંશી શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા.

18 તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, યહોવાની આગળ ધૂપ બાળવો એ તમારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ બાળવા માટે અભિષિક્ત થયેલા છે, તે યાજકોનું છે. પવિત્રસ્થાનમાંથી બહાર નીકળો; કેમ કે તમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમા ઈશ્વર, યહોવા તરફથી તમને માન મળશે નહિ.”

19 ત્યારે ઉઝિયાને ક્રોધ ચઢ્યો, તેના હાથમાં ધૂપ બાળવાને ધૂપદાન હતું, યાજકો પર તે ક્રોધાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના જોતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.

20 અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળમાં કોઢ જોયો. ને તેઓએ તેને ત્યાંથી એકદમ હડસેલી કાઢ્યો. હા તેણે પોતે પણ નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો.

21 ઉઝિયા રાજા જીવ્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો. તે કોઢિયો હોવાથી એક અલાહિદા ઘરમાં રહેતો હતો, અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.

22 ઉઝિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.

23 ઉઝિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબરસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દાટ્યો. તેના પુત્ર યોથામે તેની જગાએ રાજ કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan