Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદિયાની ગાદીએ યોઆશ
( ૨ રા. ૧૨:૧-૧૬ )

1 યોઆશ રાજા થયો ત્યારે તે સાત વર્ષનો હતો.તેણે યરુશાલએમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું, તે બેરશેબાની હતી.

2 યોઆશે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

3 યહોયાદાએ તેને બે સ્ત્રીઓ પરણાવી, અને તેને પુત્રો તથા પુત્રીઓ થયાં.

4 પછી યહોવાના મંદિરને સમારવાનું યોઆશના મનમાં આવ્યું.

5 તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “તમે યહૂદિયાનાં નગરોમાં ફરીને તમારા ઈશ્વરના મંદિરને વરસોવરસ સમારવા માટે સર્વ ઇઝરાયલીઓ પાસેથી પૈસા ઉઘરાવો, ને તે કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.

6 તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે યહોવાના સેવક મૂસએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી?”

7 કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું મંદિર ભાંગી નાખ્યું હતું, અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની સેવાના કામમાં લીધી હતી.

8 પછી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેઢી બનાવીને તેને યહોવાના મંદિરના દરવાજા આગળ બહાર મૂકી.

9 ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે કર નાખ્યો હતો તે યહોવાને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.

10 ત્યારે સર્વ સરદારો તથા સર્વ લોકો હર્ષથી તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા, ને પેટીમાં નાખતા ગયા.

11 જ્યારે પેટી ભરાતી ત્યારે લેવીઓની મારફતે રાજાની કચેરીમાં તે પેટી લાવવામાં આવતી, ને જ્યારે તેઓ જોતા કે તેંમાં ઘણા પૈસા થયા છે, ત્યારે રાજાનો ચિટનીસ તથા મુખ્ય યાજકનો કારભારી આવીને પેટીને ખાલી કરતા, ને તેને ઉપાડીને તેને સ્થાને પાછી લઈ જતા. રોજ રોજ એ પ્રમાણે કરીને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.

12 પછી રાજાએ તથા યહોયાદાએ યહોવાના મંદિરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યા. અને યહોવાના મંદિરને સમારવા માટે કડિયા તથા સુતારોને તેઓએ રોજે રાખ્યા. લોઢા તથા પિત્તળના કારીગરોને પણ યહોવાના મંદિરને સમારવા માટે [તેઓએ રાખ્યા.]

13 એમ કામ કરનારાઓ કામ કરતાં, ને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું, ને તેઓએ યહોવાના મંદિરને પહેલાના જેવું જ મજબૂત કર્યું.

14 તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોનારૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાની હૈયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દહનીયાર્પણો ચઢાવતા હતા.


યોઆશનો ધર્મત્યાગ

15 યહોયાદા વૃદ્ધ થયો ને છેક પાકી ઉમરે મરણ પામ્યો. મરતી વેળાએ તે એકસો ત્રીસ વર્ષનો હતો.

16 તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.

17 યહોયાદાના મરણ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી, ત્યારે રાજાએ તેઓનું સાંભળ્યું.

18 તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.

19 તોપણ તેઓને પોતાની તરફ ફેરવી લાવવાને યહોવાએ તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા, અને તેઓએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.

20 યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો. તેણે લોકની આગળ ઊભા રહીને તેઓને કહ્યું, “ઈશ્વર એમ કહે છે કે, તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને શા માટે પોતાને માથે આફત લાવો છો? તમે યહોવાને તજ્યા છે. માટે તેમણે તમને તજ્યા છે.”

21 પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.

22 એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”


યોઆશનો રાજ્યકાળ પૂરો

23 આથી વર્ષની આખરે અરામીઓનું સૈન્ય તેના પર ચઢી આવ્યું; અને તેઓએ યહૂદિયા તથા યરુશાલેમમાં આવીને લોકના સર્વ સરદારોનો નાશ કર્યો, ને તેઓની સર્વ માલમિલકત લૂટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી દીધી.

24 અરામીઓનું સૈન્ય બહું નાનું હતું. પણ યહોવાએ તેઓના હાથમાં બહું મોટું સૈન્ય સોંપી દીધું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો. એ પ્રમાણે તેઓએ યોઆશને શિક્ષા કરી.

25 જ્યારે તેઓ તેની પાસેથી ગયા, (તેઓ તેઓ તેને ઘણી બીમાર હાલતમાં મૂકી ગયા, ) ત્યારે તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, પણ તેને રાજાઓના કબરસ્તાનમાં દાટ્યો નહિ.

26 આમ્મોનેણ શિમાથનો પુત્ર ઝાબાદ તથા મોઆબેણ શિમ્રીથનો પુત્ર યહોઝાબાદ એ બે તની વિરુદ્ધ કાવતરું રચનારા હતા.

27 તેના પુત્રો, તેના ઉપર મુકાયેલી મોટી જવાબદારીઓ, તથા ઈશ્વરના મંદિરનું પુન:સ્થાપન, એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. તેને સ્થાને તેના પુત્ર અમાસ્યાએ રાજ કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan