Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રાણી અથાલ્યા સામે બળવો
( ૨ રા. ૧:૪-૧૬ )

1 સાતમે વર્ષે યહોયાદાએ બળવાન થઈને યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા તથા નઝિખ્રીનો પુત્ર અલીશાફાટ, એશતાધિપતિઓની સાથે કોલકરાર કર્યા.

2 તેઓએ યહૂદિયાના સ્થળે સ્થળે ફરીને યહૂદિયાના સર્વ નગરોમાંથી લેવીઓને તથા ઇઝરાયલના પિતૃઓના [કુટુંબોનાં] મુખ્ય માણસોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.

3 પછી સર્વ લોકોએ રાજાની સાથે ઈશ્વરના મંદિરમાં કોલકરાર કર્યા. તેણે તેઓને કહ્યું, “જેમ યહોવાએ દાઉદના પુત્રો સબંધી વચન આપ્યું છે કે તેના વંશજો રાજ કરશે, તેમ રાજાનો પુત્ર રાજ કરશે.

4 જે કામ તમારે કરવાનું તે એ છે કે, સાબ્બાથે અંદર આવનાર તમો યાજકોના તથા લેવીઓના ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળો તરીકે રહેવું;

5 અને ત્રીજા ભાગે રાજાના મહેલ આગળ રહેવું; અને ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ રહેવું; અને બાકીના સર્વ લોકે યહોવાના મંદિરના ચોકમાં હાજર રહેવું.

6 પણ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓ સિવાય કોઈએ યહોવાના મંદિરમાં પેસવું નહિ. ફક્ત તેમણે જ અંદર જવું; કેમ કે તેઓ પવિત્ર છે. પણ સર્વ લોકોએ યહોવાના નિયમનો અમલ કરવો.

7 લેવીઓએ પોતપોતાનાં શસ્ત્ર પોતાના હાથમાં લઈને રાજાની આસપાસ ઊભા રહેવું. અને જે કોઈ બીજો મંદિરમાં પેસે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.”

8 યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના સર્વ લોકોએ અમલ કર્યો. તેઓએ પોતપોતાના માણસોને એટલે સાબ્બાથે અંદર આવનારને તથા બહાર જનારને એકત્ર કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધા નહોતા.

9 દાઉદ રાજાના ભાલા તથા નાનીમોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતાં તે યહોયાદા યાજકે શતાધિપતિઓને આપ્યાં.

10 તેણે મંદિરની જમણી બાજુથી તેની ડાબી બાજુ સુધી, વેદી આગળ તથા મંદિર આગળ રાજાની આસપાસ સર્વ લોકને તેમના હાથમાં પોતપોતાની બરછી આપીને ગોઠવ્યા.

11 પછી તેઓએ રાજાના પુત્રને બહાર લાવીને તેને મુગટ પહેરાવ્યો, તેને રાજ્યાલંકાર ધારણ કરાવ્યો, ને તેને રાજા ઠરાવ્યો. યહોયાદા તથા તેના પુત્રોએ તેનો અભિષેક કરીને ‘રાજા [ઘણું] જીવો, ’ એવો પોકાર કર્યો.

12 જ્યારે અથાલ્યાએ દોડતા તથા રાજાની સ્તુતિ કરતા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો ત્યારે તે યહોવાના મંદિરમાં લોકોની પાસે આવી.

13 તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.

14 યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું, “તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો; અને જે કોઈ તેની પાછળ જાય, તેને તરવારથી મારી નાખો.” યાજકે તેઓને કહ્યું હતું, “યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહિ.”

15 એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો, અને જે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી. અને ત્યાં તેઓએ તેને મારી નાખી.


યહોયાદાની ધર્મસુધારણા

16 પછી યહોયાદાએ પોતે તથા સર્વ લોક તથા રાજાની વચ્ચે એવા કોલકરાર કર્યા, “આપણે યહોવાના લોક થવું.”

17 પછી સર્વ લોકોએ બાલને મંદિરે જઈને તેને તોડી પાડ્યું, તેની વેદીના તથા તેની મૂર્તિઓનાં ભાંગીને ટુકડા કર્યા, ને યાજક માત્તાનને વેદી આગળ મારી નાખ્યો.

18 મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા.

19 વળી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો મૂક્યા, એ માટે કે કોઈ પણ બાબતમાં જે કોઈ અશુદ્ધ હોય તે અંદર ન પેસે.

20 શતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકના અધિકારીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લઈને તે યહોવાના મંદિરમાંથી રાજાને નીચે લઈ આવ્યો. તેઓ ઉપલે દરવાજે થઈને રાજાના મહેલમાં પાછા આવ્યા, ને રાજાને રાજ્યાસન પર બેસાડ્યો.

21 આથી દેશના સર્વ લોકો આનંદ પામ્યા, અને નગરમાં શાંતિ થઈ, અથાલ્યાને તો તેઓએ મારી નાખી હતી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan