Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મંદિર બાંધવાની તૈયારી
(૧ રા. ૫:૧-૧૮ )

1 સુલેમાને યહોવાના નામને માટે મંદિર તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધવાનો ઠરાવ કર્યો.

2 તેણે સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં [લાકડાં] કાપવા માટે તથા ત્રણ હજાર છસોને તેઓના પર મુકાદમી કરવાને ઠરાવ્યા.

3 સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને કહાવ્યું, “તમે મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યા, ને તેમને મહેલ બાંધવા માટે એરેજવૃક્ષો મોકલી આપ્યાં હતાં. [તેમ જ તમે મારી સાથે વર્તજો.]

4 મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાને, તેમની આગળ ખુશ્બોદાર સુંગધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને માટે, ને સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર યહોવાનાં નક્કી કરેલા પર્વોએ, સવાર તથા સાંજના દહનીયાર્પણોને માટે, તેમના નામને માટે, હું મંદિર બાંધું છું ઇઝરાયલને માટે સર્વકાળને માટે એ [વિધિઓ] ઠરાવેલા છે.

5 જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે.

6 પણ તેમને માટે મંદિર બાંધવાને કોણ સમર્થ છે? કેમ કે આકાશ ને આકાશોના આકાશોમાં તેમનો સમાવેશ થઈ શકે એમ નથી. તો હું કોણ માત્ર કે તેમને માટે મંદિર બાંધું? એ તો કેવળ તેમની આગળ ધૂપ બાળવાને માટે જ છે.

7 તો હવે સોનાના, રૂપાના, પિત્તળના, લોઢાના તથા કિરમજી, લાલને આસમાની રંગના કામમાં બાહોશ તથા [દરેક પ્રકારની] કોતરણી કરવામાં નિપુણ એવા પુરુષને મારી પાસે મોકલો કે, જેથી યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી સાથે જે કુશળ પુરુષો છે કે, જેઓને મારા પિતા દાઉદે એકત્ર કર્યા હતા, તેઓની સાથે રહીને તે કામ કરે.

8 વળી લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારો તથા સુખડ અહીં મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તમારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે.

9 મારે માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા માટે મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે મંદિર હું બાંધવાનો છું, તે બહું મોટું થશે.

10 હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનાર કરાઈઓને, વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર માપ જવ, વીસ હજાર બાથ (એટલે એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ તથા વીસ હજાર બાથ તેલ આપીશ.”

11 ત્યારે તૂરના રાજા હિરામે સલેમાનને જવાબ લખી મોકલ્યો, “પોતાના લોક પર યહોવાનો પ્રેમ છે, એ માટે તેમણે તેઓના ઉપર તમને રાજા ઠરાવ્યા છે.”

12 વળી હિરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા તેમને ધન્ય હો કે તેમણે દાઉદ રાજાને જ્ઞાની ને વિવેકબુદ્ધિ તથા સમજણથી ભરપુર એવો દીકરો આપ્યો છે કે, જે યહોવાને માટે મંદિર, તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધે.

13 મેં મારા પિતા હિરામના એક નિપુણ તથા બુદ્ધિમાન પુરુષને તમારી પાસે મોકલ્યો છે.

14 તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે, ને તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાની, રૂપાની, પિત્તળની, લોઢાની, પથ્થરની તથા લાકડાંની, તેમ જ જાંબુડા, નીલા તથા ઝીણા શણની તથા કિરમજી રંગની કામગીરીમાં, સર્વ પ્રકારનું કોતરકામ કરવામાં, તથા હરકોઈ નમૂનાની યોજના કરવામાં નિપુણ છે; જેથી તમારા કારીગરોની તથા મારા મુરબ્બી તમારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક થાય.

15 માટે જે ઘઉં, જવ, તેલ તથા દ્રાક્ષારસ આપવાનું મારા મુરબ્બીએ કહ્યું છે, તે પોતાના ચાકરોની પાસે તે મોકલાવે.

16 તમારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું, ને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રવાટે યાફામાં તમારી પાસે લાવીશું; અને તમે તે યરુશાલેમ લઈ જજો.”


મંદિરનું બાંધકામ
( ૧ રા. ૬:૧-૩૮ )

17 જે પરદેશીઓ ઇઝરાયલના દેશમાં વસતા હતા તે સર્વની સુલેમાને, પોતાના પિતા દાઉદે તેમની ગણતરી કરી હતી તે પ્રમાણે, ગણતરી કરી. તેઓ દોઢ લાખ ત્રણ હજાર છસો હતા.

18 તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંશી હજારને પર્વતમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસોને લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan